શક્તિ ટી સ્ટોલ એન્ડ ફૂડ ઝોન સરકારી ખરાબામાં ખડકાઈ હોવાની પણ ચર્ચા
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં P.I વાળાની રેસ્ટોરાં પર આટલી મહેરબાનીનું કારણ શું?
એક તરફ રાત્રિ કરફયુનાં નામ તળે ગાંધીગ્રામ પોલીસ દ્વારા રૈયા ચોકડી વગેરે વિસ્તારોમાં સામાન્યજન પર રીતસર આતંક વરસાવવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ આ જ કહેવાતી બહાદુર પોલીસ પહોંચતા લોકો સામે ટાંય ટાંય ફિસ્સ થઈ જાય છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર માધાપર ચોકડીમાં બેડી જવાનાં માર્ગે ખૂણા પર જ આવેલી ‘શક્તિ ટી સ્ટોલ એન્ડ ફુડ ઝોન’ આવા ઘોર કફર્યુમાં પણ ચોવીસ કલાક ધમધમતી રહે છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, આ રેસ્ટોરાંના માલિકને કોઈ રોકનાર નથી, કોઈ ટોકનાર નથી. ઉલ્લેખનીય છે કે, હાલ શહેરમાં કોરોના સંબંધિત રાત્રિ કરફયુ અમલમાં છે. સામાન્યજન માટે તો ગાંધીગ્રામ પોલીસ અત્યંત સખ્તાઈથી, તુમાખીભર્યા વર્તનથી અને ક્યારેક ગાળાગાળીથી પણ કરફયુનો અમલ કરાવે છે, બીજી તરફ આવા પહોંચતા લોકોને બહુ પ્રેમપૂર્વક આખી રાત રેસ્ટોરાં ખુલ્લી રાખવા દેવામાં આવે છે.
શું રેસ્ટોરાં સરકારી ખરાબામાં ખડકાઈ ગઈ?
એક ચર્ચા એવી પણ છે કે, ‘શક્તિ ટી સ્ટોલ એન્ડ ફૂડ ઝોન’ સરકારી ખરાબામાં ખડકાઈ ગયું છે. જો આ વાત સાચી હોય તો કલેકટર તંત્ર માટે પણ શરમજનક ઘટના ગણાય. કારણ કે, સરકારી ખરાબામાં પેશકદમી ન થાય તે જોવાની જવાબદારી કલેકટર તંત્રની છે. આ અંગે હોટલનાં માલિક પટેલને પૂછતાં તેમણે જમીન પોતાની હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આ દાવામાં કેટલો દમ છે- એ તો કલેકટર તંત્ર જ નક્કી કરશે.
- Advertisement -
કોઈ રેસ્ટોરાંવાળા મારા સગાં કે પાર્ટનર નથી: P.I વાળા

ચોવીક કલાક ધમધમતી આ રેસ્ટોરાં અંગે ગાંધીગ્રામ પોલીસના પી.આઈ. વાળાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે અત્યંત સુંદર પ્રત્યુત્તર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, ‘કોઈ રેસ્ટોરાંવાળા મારા સગાં કે પાર્ટનર નથી, આ રેસ્ટોરાંની બાબત કદાચ ધ્યાન બહાર રહી ગઈ હશે. પણ હવે આવું ચાલવા નહીં દઈએ!’ પી.આઈ. વાળાનો આ જવાબ સાંભળીને એક જ સવાલ થાય કે, ‘માધાપર ચોક જેવાં શહેરનાં સૌથી વ્યસ્ત વિસ્તારમાં ધમધમતું રેસ્ટોરાં જો તેમનાં ધ્યાન બહાર રહી જતું હોય તો બાકીનું શું-શું ધ્યાન બહાર નહીં રહેતું હોય?
મારી પાસે કોઈ લાયસન્સ નથી: હોટેલ માલિક
‘શક્તિ ટી સ્ટોલ એન્ડ ફૂડ ઝોન’ ચોવીસ કલાક ધમધમતું હોવાનું કારણ પૂછવા ‘ખાસ-ખબર’એ રેસ્ટોરાં માલિકને ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે આ અંગેનું કોઈ લાયસન્સ નથી. આ રેસ્ટોરાં પાસે ફૂડ લાયસન્સ પણ ન હોવાનું ચર્ચાય છે. કોર્પોરેશન માટે પણ આ એક કેસ છે.
- Advertisement -
શક્તિ રેસ્ટોરાં દ્વારા કોવિડનાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન: સામાન્ય વેપારીઓ પર ત્રાસ, માનીતા લોકો પર કૃપા


