મનપાનાં બોર્ડમાં વિપક્ષે ભાજપ વિરૂધ્ધ સુત્રોચ્ચા કર્યા : ઠરાવની કોપી ફાડી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ચિતાખાના ચોકનું નામ હાજી હુસેનભાઇ એમ. હાલા કરવાનો ઠરાવ 16 ડિસેમ્બર 2019માં કરવામાં આવ્યો હતો. બાદ ચિતાખાના ચોકનાં નામકરણની તૈયારીઓ ચાલતી હતી. ત્યાં જ વિવાદ થતા મનપાનાં સતાધિશ પક્ષ ભાજપે તાત્કાલીક ખાસ જનરલ બોર્ડ બોલાવ્યું હતું અને આ બોર્ડમાં નામકરણનો ઠરાવ બહુમતિથી રદ કરવામાં આવ્યો હતો.જેના પગલે વિપક્ષનાં કોર્પોરેટરોએ ભાજપ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા અને ભાજપની દાદાગીરી નહી ચાલે તેમ કહ્યું હતું.
- Advertisement -
જૂનાગઢમાં મુસ્લીમ અગ્રણી અને મનપામાં પાંચ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટણી જીતનાં હાજી હુસેનભાઇ એમ. હાલાનાં નિધન બાદ તા. 16 ડિસેમ્બર 2019માં જનરલ બોર્ડમાં હાજી હુસેનભાઇ એમ.હાલાની સેવાકીય કાર્ય માટે સમાજ તેમને આજીવન યાદ કરે તે હેતુથી જૂનાગઢનાં ચિતાખાના ચોકને હાજ હુસેનભાઇ હાલા ચોક તરીકે નામકરણ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. ચોકનાં નામકરણને લઇ મનપાએ તૈયારીઓ કરી લીધી હતી. તક્તી પણ બનાવી લેવામાં આવી હતી.પરંતુ આ મુદાને લઇ વિવાદ થયો હતો. જનરલ બોર્ડનાં આ ઠરાવનાં પુન:વિચાર કરવા સ્થાયી સમિતીનાં હરેશભાઇ પરસાણા, શાંતાબેન મોકરીયા, ભારતીબેન ત્રાંબડીયા અને આરતીબેન જોષીએ દરખાસ્ત કરી હતી. આ મુદે આજે રજાનો દિવસ હોવા છતા ખાસ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. મનપાનાં બોર્ડમાં બહુમતિથી ઠરાવ રદ કરવામાં આવ્યો હતો અને પુન:વિચારણાનું કહેવામાં આવ્યું હતું. જોકે બોર્ડનાં નિર્ણયથી કોર્પોરેટર અદ્રેમાનભાઇ પંજા, રજાકભાઇ હાલા અને લલીતભાઇ પરસાણાએ વિરોધ કર્યો હતો. બોર્ડમાં સુત્રોચ્ચાર કર્યાં હતાં. તેમજ ભાજપની દાદાગીરી નહી ચાલે તેવા સુત્રોચ્ચાર કર્યાં હતાં. ઠરાવની નકલ ફાડી વિરોધ વ્યક્ત કર્યો હતો અને કોર્ટમાં જવાની ચિમકી ઉચ્ચારી હતી.