કેન્દ્ર સરકારે બંધારણ દિવસે તમામ રાજ ભવનનું નામ બદલવા જાહેરનામું બહાર પાડયું હતું
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાતના રાજ્યપાલનું સત્તાવાર નિવાસસ્થાન રાજ ભવન હવે લોક ભવનના નામે ઓળખાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સોમવારે આ જાહેરાત કરી હતી. બંધારણ દિવસના આગલા દિવસે એટલે કે 25 નવેમ્બરે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડીને રાજ્યોના રાજ્યપાલ, લેફ્ટનન્ટ ગવર્નરના સત્તાવાર નિવાસસ્થાનનું નામ બદલીને ’લોક ભવન’ કરવાનો આદેશ બહાર અને પાડયો હતો. એ પછી વિવિધ રાજ્યના રાજ ભવન દ્વારા નામ બદલવાની જાહેરાત કરવામાં આવી હતી.
દેવવ્રત આચર્યે જણાવ્યું હતું કે આ પરિવર્તન માત્ર નામ બદલવા પૂરતું નથી. હવેથી રાજ ભવન માત્ર રાજ્યપાલનું નિવાસ નહીં નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સંશોધનકર્તાઓ સામાજિક સંગઠનો સાથે સંવાદ, સહયોગનું કેન્દ્ર બનશે.
તમિલનાડુ, 5.બંગાળ સહિતના વિપક્ષના પક્ષો દ્વારા શાસિત રાજ્યોએ રાજ ભવનનું નામ બદલવાના જાહેરનામાનો વિરોધ કર્યો હતો.
લોક ભવનનો ઉદ્દેશ્ય : શાસન અને જનતા વચ્ચે વિશ્ર્વાસનો સેતુ બનવાનો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ ભવનને લોક ભવન નામ આપવાની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પર વિસ્તૃત પોસ્ટ મુકી હતી. જે પોસ્ટમાં જણાવ્યુ હતુ કે આ પરિવર્તન માત્ર નામનું નથી પણ જનસેવાની ભાવનાને વધુ ઊંડાણપૂર્વક આત્મસાત કરવાનો સંકલ્પ છે. લોકભવન એટલે જનતા સર્વોપરિ. હવે આ ભવન માત્ર રાજ્યપાલનું નિવાસ નહીં પણ નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સંશોધનકર્તાઓ, સામાજિક સંગઠનો સાથે સંવાદ, સહયોગ અને સહભાગિતાનું એક જીવંત કેન્દ્ર બનશે. ગત વર્ષોમાં પ્રાકૃતિક ખેતી, નૈતિક શિક્ષણ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ અને આદિવાસી વિકાસ જેવા અનેક ક્ષેત્રોમાં જે લોકકલ્યાણકારી પ્રયાસ કરવામાં આવ્યા તેને લોક ભવન વધુ ગતિ અને દિશા આપશે. ગ્રામીણ ક્ષેત્રોમાં રાત્રિ વિશ્રામ, ગ્રામ-સફાઈ, વૃક્ષારોપણ, સહજ જનસંવાદ અને અનુસૂચિત જાતિ તથા જનજાતિના પરિવારો સાથે ભોજન જેવા અનુભવો હંમેશા મને જીવનના વાસ્તવિક મૂલ્યોની વધુ નજીક લાવ્યા છે. લોક ભવનનો ઉદ્દેશ્ય-શાસન અને જનતા વચ્ચે વિશ્વાસ, સંવેદના અને સેવાનો મજબુત સેતુ બનવાનો છે. જનતા જ લોક ભવનની આત્મા છે. આ સૌનો સ્નેહ, સહયોગ અને વિશ્વાસ અમને આ માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપે છે.



