કુલપતિ ડો. ઉત્પલ જોશીના વરદ હસ્તે દેવયાનીબાનું સન્માન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા સમગ્ર ગુજરાતનું નામ રોશન કરનાર ઝાલા દેવયાનીબા એ તાજેતરમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે વર્લ્ડ એથ્લેટિક કોન્ટિનેન્ટલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. સાથે જ ઇન્ટરસ્ટેટ નેશનલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી, સમગ્ર દેશમાં તેઓને ગોલ્ડ મેડલ ગર્લ તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીના વરદ હસ્તે દેવયાની બાને સન્માનિત કરવામાં આવ્યા હતા. લગભગ 200થી વધુ ખેલાડીઓ યુનિવર્સિટી પ્રાંગણમાં ઉપસ્થિત રહી, પુષ્પગુચ્છ અને ફૂલહારોથી દેવયાનીબાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ અવસરે શારીરિક શિક્ષણના નિયામક ડો. હરીશ રાબા, એમવીએમ મહિલા કોલેજના પ્રિન્સિપાલ તથા શારીરિક શિક્ષણ અધ્યાપિકા ડો. પુનમબેન જુડાસિયા, ડો. એચ.આર. ભાલીયા, શારીરિક શિક્ષણના અન્ય અધ્યાપકો તથા વિભાગનો સ્ટાફ પરિવાર હાજર રહ્યો હતો. સાથે જ દેવયાની બાના માતા-પિતા તથા મોટી સંખ્યામાં ખેલાડીઓએ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો.