રાત દિવસ સતત કામગીરી કરી કાયમી નિરાકરણ માટે પાલિકા તત્પર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી શહેરના કલાડા દરવાજા પાસે આવેલ રબારીવાસમાં ભૂગર્ભ ગટરના ઉભરાતા દૂષિત પાણીથી ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું હતું જે બાબતે પાલિકા સદસ્ય ચેતનાબેન રબારી અને વિસ્તારના લોકો દ્વારા પાટડી નગરપાલિકાને રજૂઆત કરતા ચીફ ઓફિસર મોસમ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ તપાસ કરવામાં કર્યા બાદ દિવસ રાત સતત કામગીરી ચાલુ રાખી ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીના નિરાકરણ લાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે જેના કારણે ઉભરાતા પાણીની સમસ્યા દૂર થવા પામી છે આ બાબતે વોર્ડ નંબર-02ના સદસ્ય ચેતનાબેન રબારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાટડી નગરપાલિકાના ઉપપ્રમુખ હિતેશ રાવલ, તથા ચીફ ઓફિસર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
આ ઉપરાંત ભૂગર્ભ ગટરની જવાબદારી સંભાળતા લક્ષ્મણભાઈ રબારી સ્થળ પર પહોંચી સતત કામગીરી કરાવી હતી તથા એન્જિનિયર ડી.એમ. પટેલ અને પૂર્વ પ્રમુખ મૌલેશ પરીખ પણ સતત હાજર રહ્યા હતા અને કાયમી નિરાકરણ માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા ભૂગર્ભ ગટરના ઉભરાવાની સમસ્યા દૂર કરવા માટે પાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો આ ઉપરાંત અન્ય વિસ્તારમાં પણ ભુગર્ભ ગટરની સમસ્યાનુ નજીકના દિવસોમાં નિરાકરણ લાવવામાં આવશે તેમ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતુ



