પ્રિન્સિપાલ આનંદીબેન ઘણાં સમયથી કિરીટ, દિનેશને શૂળની જેમ ખૂંચતા હતા
દિનેશ સદાદિયાના સાગરિત એવા પંકજ ગોઢાણિયાને પ્રિન્સિપાલ તરીકે ગોઠવવા રચાયો કારસો
- Advertisement -
CRC સદાદિયા હેઠળ આવતી શાળા નં.62માં ગેરરીતિ થતી હોય તો ખૂદ સદાદિયા જવાબદાર કેમ ન ગણાય?
રાજકોટ શિક્ષણ સમિતિ અંતર્ગત આવેલી બે સરકારી શાળાઓનો વિડીયો હાલમાં વાયરલ થયો છે. એક વિડીયોમાં કોઠારિયા સોલવન્ટમાં આવેલી નારાયણનગર ક્ધયાશાળાના આચાર્ય વિદ્યાર્થિનીઓ પાસે મજૂરીકામ કરાવતા જોવા મળે છે તો બીજા એક વીડિયોમાં સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી શાળા નં.62માં એક વ્યક્તિ બાળકોને શિક્ષણ આપતો હોવાનું જોવા મળે છે. આ બંને વિડીયો મામલે શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ હરિ પરમારની વહાલા-દવલાની નીતિ સ્પષ્ટ જોવા મળે છે. પંડિત અને પરમારે જે શાળામાં આચાર્ય બાળકોને મજૂરીકામ કરાવે છે તે આચાર્ય પાસેથી ખુલાસો માંગી ક્લિનચીટ આપી દીધી છે જ્યારે જે શાળામાં એક વ્યક્તિ બાળકોને ભણાવે છે તે શાળાના મહિલા આચાર્યને કારણદર્શક નોટિસ આપ્યા વિના સસ્પેન્ડ કરી દીધા છે. શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ હરિ પરમાર ક્યા પ્રકારે ગેરવહીવટ કરી પોતાની મનમાની ચલાવી રહ્યા છે તેનું જીવતુંજાગતું ઉદાહરણ હાલમાં સરકારી શાળાના વાયરલ થયેલા વિડીયો બાદ કરવામાં આવેલી કાર્યવાહી પરથી સ્પષ્ટ દર્શાઈ આવે છે.
શાળા નં.62ના મહિલા આચાર્યને હટાવવા વાયરલ વિડીયોનું ષડયંત્ર રચાયું!
એવું ચર્ચાઈ રહ્યું છે કે, રાજકોટ શિક્ષણ સમિતિની શાળા નં.62ના મહિલા આચાર્યને હટાવવા વાયરલ વિડીયોનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ભૂતકાળમાં પણ અહીં આચાર્ય તરીકે દિનેશ સદાદિયાના અંગત પંકજ ગોઢાણીયાને શાસનાધિકારી કિરીટ હરિ પરમારે નિયુક્તિ આપી દીધી હતી. શાળા નં.62ના મહિલા આચાર્ય શિક્ષણ સમિતિના ભ્રષ્ટાચારીઓને આંખમાં કણાની જેમ ખૂંચતા હતા તેથી તેમણે વાયરલ વિડીયોનું ષડયંત્ર રચીને શાળા નં.62ના મહિલા આચાર્યનો ભોગ લઈ લીધો.
- Advertisement -
મહિલા આચાર્યને માનસિક આઘાત લાગતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ
કંઈપણ થાય તો પંડિત, પરમાર અને સદાદિયા જવાબદાર ગણાશે
અતુલ પંડિતના કહેવા પર કિરીટ હરિ પરમારે રાજકોટ શિક્ષણ સમિતિની સરકારી શાળા નં.62ના મહિલા આચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે, આ શાળાના મોનિટરિંગની જવાબદારી સંભાળતા સી.આર.સી. દિનેશ સદાદિયા પર કોઈ પગલાં લેવાયા નથી. શાળાના આચાર્ય પદ પરથી હટાવી દીધા બાદ શાળા નં. 62માં આચાર્ય રહેલા મહિલા માનસિક આઘાતમાં સરી પડ્યા છે અને તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને કશું પણ થશે તો તે માટે પંડિત, પરમાર, સદાદિયા જવાબદાર ગણાશે એવું તેમનાં પરિવારજનોએ જણાવ્યું હતું.
વાયરલ વિડીયો બાદ મહિલા આચાર્ય સસ્પેન્ડ, શાળાના CRC સદાદિયા સામે પગલાં કેમ નહીં?
રાજકોટની સરકારી શાળા નં.62ના વાયરલ વિડીયો બાદ શાળાના મહિલા આચાર્યને કોઈ પ્રકારના ખુલાસા માંગ્યા વિના કે કારણદર્શક નોટિસ આપ્યા વિના સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે આ શાળાના સી.આર.સી તરીકે ફરજ બજાવતા દિનેશ સદાદિયા વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. શાસનાધિકારી કિરીટ હરિ પરમાર અને ચેરમેન અતુલ પંડિત સતત દિનેશ સદાદિયાને છાવરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શિક્ષણ સમિતિમાં ચાલતી લોલમલોલમાં ડે. મ્યુ. કમિશનર પણ ભાગીદાર?
મંજૂરી વિના સરકારી મિલકતમાં શિક્ષક સંઘનો કાર્યક્રમ યોજાયો છતાં ડેપ્યુટી મ્યુ. કમિશનર આશિષકુમાર મૂકપ્રેક્ષક
કોર્પોરેશનની જગ્યામાં મંજૂરી વિના યોજાયેલા કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં મહેમાન તરીકે પણ આશિષકુમારના નામનો ઉલ્લેખ છે
રાજકોટના અંબાજી કડવા પ્લોટ ખાતે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળા નં.69માં શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાએ મંજૂરી વિના સેવા નિવૃત શિક્ષક સન્માન સમારોહ યોજ્યાના ત્રણ બાદ પણ ડે.મ્યુ. કમિશનર આશિષકુમાર માત્ર મૂકપ્રેક્ષક બની રહ્યા છે. આ કાર્યક્રમમાં જનરલ બોર્ડના શાળામાં જમણવાર ન યોજવાના તેમજ ઉત્તરાયણ પર્વને અનુલક્ષી કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાના ભંગ કરાયો છે. અલબત્ત શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ હરિ પરમારે પણ શાળામાં પૂર્વ મંજૂરી વિના કોઈ કાર્યક્રમ ન યોજવા પત્ર બહાર પાડ્યો હતો છતાં શિક્ષક સંઘના કાર્યક્રમમાં ડે. મ્યુ. કમિશનર આશિષકુમાર અને શાસનાધિકારી કિરીટ હરિ પરમારને મહેમાન બનાવીને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાએ મંજૂરી વિના કાર્યક્રમ યોજવાનો જાણે પીળો પરવાનો મેળવી લીધો હતો. સમગ્ર મામલે ડે. મ્યુ. કમિશનર આશિષકુમારે આંખ આડા કાન કરી લીધા છે.
શાસનાધિકારી કિરીટ હરિ પરમારનો પત્ર: મંજૂરી વિના શાળામાં કાર્યક્રમ યોજાયો તો આચાર્ય જવાબદાર
રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ હરિ પરમારે ગત તા. 2 જાન્યુઆરી 2023નાં જ સરકારી શાળાના તમામ આચાર્યોને એક પત્ર લખી જાણ કરી હતી કે, જો શાળામાં મંજૂરી વિના કોઈ કાર્યક્રમ યોજાશે તો આચાર્યની જવાબદારી રહશે. જેના 4 દિવસ બાદ તા. 7 જાન્યુઆરી 2023નાં રોજ શાળા નં.69માં શિક્ષક સંઘનો કાર્યક્રમ યોજાયો છે ત્યારે આ શાળાના આચાર્ય પર શિક્ષણ સમિતિના પત્રનો ભંગ અને શિક્ષક સંઘના પ્રમુખ પર જનરલ બોર્ડના નિયમ તેમજ જાહેરનામા ભંગની ગુનો દાખલ થવો જોઈએ. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારમાં જો થોડી પણ નૈતિક હિંમત હોય તો શિસ્ત અને નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ પગલાં લઈ બતાવે તેવી સૌની માંગણી છે.
2 જાન્યુઆરી 2023એ કિરીટ હરી પરમારે મંજૂરી વિના કાર્યક્રમ ન યોજવા પત્ર લખ્યો અને 7 તારીખે જ શાળા નં. 69માં મંજૂરી વિના કાર્યક્રમ યોજાયો
શાળા નં.69માં શિક્ષક સંઘના કાર્યક્રમ-જમણવારને મંજૂરી કોણે આપી?
રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી કિરીટ હરિ પરમારના માર્ગદર્શનમાં શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાને કાર્યક્રમ યોજવાની અને જમણવાર કરવાની મંજૂરી કોણે આપી એ સવાલ છે. આ અગાઉ અતુલ પંડિતે જનરલ બોર્ડના ઠરાવને આગળ ધરી સરકારી શાળામાં જમણવાર કે કોઈ કાર્યક્રમ યોજવા મનાઈ કરી દીધી હતી. આમ છતાં દિનેશ સદાદિયાએ કોઈ જ મંજૂરી વિના સરકારી શાળામાં કાર્યક્રમ યોજ્યો અને જમણવાર કર્યો તો આ નિયમભંગ મામલે સરકારી શાળા નં.69ના આચાર્ય, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા વિરુદ્ધ ચેરમેન અતુલ પંડિતથી લઈ ડે.મ્યુ. કમિશનર આશિષકુમાર કેમ પગલાં લેતા નથી?