-વિમાની મથકે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા-દિલ્હીના તમામ સાત સાંસદો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત
અમેરિકા અને ઈજીપ્તના છ દિવસના પ્રવાસ પુરો કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડીરાત્રીના સ્વદેશ પરત ફર્યા હતા. વડાપ્રધાનનો અમેરિકા પ્રવાસ ઐતિહાસિક રહ્યો છે અને ભારત-અમેરિકા વચ્ચેના એક નવા સંબંધોનો યુગ શરૂ થયો છે તો વિશ્વ નેતા તરીકે પણ શ્રી મોદીની ઈમેજ વધુ મજબૂત બની છે. ઈજીપ્તમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવ્યા છે. મોદી મોડીરાત્રીના 1 વાગ્યે ઈન્ડીયન એરફોર્સ-વનમાં પરત ફર્યા
- Advertisement -
તે સમયે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડાના નેતૃત્વમાં ભાજપના વરિષ્ઠ સાંસદોએ મોદીનું સ્વાગત કર્યુ હતું. જેમાં દિલ્હીના તમામ સાત સાંસદ પણ જોડાયા હતા. શ્રી મોદીએ વિમાની મથકે ઉતરતા જ જે.પી.નડ્ડાને સર્વપ્રથમ પ્રશ્ન દેશમાં શું ચાલી રહ્યું છે પૂછયો હતો. આમ મોદીએ સર્વપ્રથમ દેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી નડ્ડાએ વળતા જવાબમાં તેઓના અમેરિકા પ્રવાસથી જે રીતે ભારતનું વૈશ્વીક સ્થાન મજબૂત થયું છે તથા વ્યાપાર-ઉદ્યોગ અને ડિપ્લોમસીમાં જે સન્માન મળ્યું છે તેના પર દેશ ખુશ છે
તેવો જવાબ આપવાની સાથોસાથ સરકારની નવ વર્ષની ઉજવણી અંગે ભાજપ જે રીતે કાર્યક્રમો યોજી રહ્યું છે તેનાથી પણ તેમને માહિતગાર કર્યા હતા. દિલ્હીના સાંસદ મિનાક્ષી લેખી, મનોજ તિવારી, ગૌતમ ગંભીર, હર્ષવર્ધન, રમેશ વિછુડી અને પ્રવેશ વર્માએ પણ જણાવ્યું કે તેઓની વિદેશયાત્રાથી દેશને જે માન-સન્માન મળ્યા છે તે પુરા દેશનું સન્માન છે. મોદીએ તેમના ટવીટ હેન્ડલ પર તેમના ઈજીપ્તના પ્રવાસની ઝલક પણ મુકી છે. જયાં તેઓને ઈજીપ્તનું સર્વોચ્ચ રાજકીય સન્માન અપાયું હતું.