લીંબુમાં છેલ્લા 50 વર્ષમાં, મરચામાં 10 વર્ષમાં સૌથી વધુ ભાવ વધારો
લીંબુ અને મરચાના આસમાને પહોંચેલા ભાવે ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી કરી નાંખી છે. છૂટક બજારમાં લીંબુ200થી 220 રૂપિયે કિલો અને મરચા 120 રૂપિયે કિલો વેચાઇ રહ્યા હોવાથી ભાવ સાંભળીને જ લોકો ભડકી રહ્યા છે. વેપારીઓના મતે લિંબુમાં છેલ્લા 50 વર્ષમાં ન જોવા મળ્યો હોય તેવો તોતિંગ ભાવ હાલમાં જોવા મળી રહ્યો છે, જ્યારે મરચાના વેપારીઓ જણાવી રહ્યા છેકે છેલ્લા 10 વર્ષમાં તેઓએ લીલા મરચાના આટલા બધા વધેલા ભાવ જોયો નથી.
આજથી બે-ત્રણ મહિના પહેલા હોલસેલમાં 5 થી 6 રૂપિયો કિલોના ભાવે મળતા લીલા મરચા હાલમાં ગુણવત્તા મુજબ 60 થી 90 રૂપિયાના ભાવે જમાલપુર શાકમાર્કેટમાં મળી રહ્યા છે. માલની અતિભારે અછત હોવાથી આ ભાવ બોલાઇ રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં મરચા માંગ મુજબ 120થી માંડીને 150 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. છૂટક બજારમાં બે મહિના પહેલા 7 થી 10 રૂપિયે મળતા મરચાનો ભાવ હાલમાં 120ને આંબી ગયો છે!
- Advertisement -
સામાન્ય રીતે વર્ષમાં બે વખત કિલોના ભાવ 40 થી 50 રૂપિયા થતા હોય છે પરંતુ આ વર્ષે મહત્તમ ભાવ વધારો દેખાયો છે. હાલમાં ગુજરાતમાં વેરાવળ-સોમનાથથી માલ આવી રહ્યો છે. આણંદમાંથી માલની આવક બંધ થઇ છે. આગામી 20 દિવસમાં પંજાબ અને રાજસ્થાનથી માલની આવક શરૂ થશે ત્યારબાદ ભાવ કાબૂમાં આવશે.
ભાવ વધારા માટે વેપારીઓ કુદરતી પરીબળોને જવાબદાર માની રહ્યા છે.