ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
14મી એપ્રિલ, 1865ના દિવસે અમેરિકાના 16માં પ્રેસિડેન્ટ અબ્રાહમ લીંકન થિયેટરમાં ‘અવર અમેરિકન કઝિન’ આ નાટક જોવા જઈ રહ્યા હતા ત્યારે જોન વિલ બૂથ આ નામના એકટરે એક સિંગલ શોર્ટ પોઈન્ટ 44 રિવોલવરમાંથી મારીને એમની હત્યા કરી હતી અને આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો.
- Advertisement -
અબ્રાહમ લીંકન અનેકો બાબતો માટે જાણીતા છે. પણ તેઓ સૌથી વધુ પ્રખ્યાત એમને ગુલામીને નાબૂદ કરવાનો જે સપોર્ટ હતો એના કારણે છે. ગુલામગીરી નાબૂદ કરવી જોઈએ એવું કહેનારા અબ્રાહમ લીંકન પોતે બ્લેક લોકોને વોટ આપવાની સત્તા વિરુદ્ધ હતા. કોર્ટની અંદર કેસનો નિર્ણય આપવા માટે એ સમયે જે જયુરી બેસાડવામાં આવતી હતી, એ જ્યુરીમાં બ્લેક લોકોને સ્થાન આપવાની વિરુદ્ધ હતા. બ્લેક લોકો ગોરા લોકો જોડે પરણે એ પણ એમને પસંદ નહોતું. બ્લેક લોકો ઉચ્ચ હોદ્દાઓ ધરાવે એ પણ એમને માન્ય નહોતું. તેઓ હમેશાં એવું જ માનતા કે ગોરા લોકો સુપ્રીમ છે. આવા વિચારો ધરાવતા હોવા છતાં અબ્રાહમ લીંકન એવું કહેતા કે ગુલામગીરી નૈતિક દ્રષ્ટિએ ખોટી છે. આવા અબ્રાહમ લીંકનનું મોન્યુમેંટ વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ હીલની બરાબર સામે પણ માઈલો દૂર, ખડું કરવામાં આવ્યું છે. જેઓ અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીની મુલાકાત લે છે, ત્યાંના જોવાલાયક સ્થળો જોવા જાય છે. તેઓ અબ્રાહમ લીકનનું આ મોન્યુમેંટ જોયા સિવાય રહેતા નથી.
આ મુજબ જ અમેરિકાના 45માં અને હાલમાં 47માં જેઓ પ્રેસિડેન્ટ બન્યા છે એ ડોનાલ્ડ ટ્રમ્પનું એમના મૃત્યુ બાદ મોન્યુમેંટ ઊભું કરાશે કે નહીં એની કોઈને ખબર નથી. પણ એક વાત નક્કી છે કે ઈતિહાસ જે રીતે અબ્રાહમ લીંકનને યાદ કરે છે એ જ રીતે વિશ્વનો ઈતિહાસ ડોનાલ્ડ ટ્રમ્પને પણ જરૂરથી યાદ કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ ન્યુયોર્ક શહેરના કવીન્સ વિસ્તારમાં 14મી જૂન, 1946માં થયો. એમના પિતા ફ્રેડ ટ્રમ્પ છે અને માતા મેરી એન્ડ મેકલિયોડ ટ્રમ્પ છે. એમણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વોર્ટન સ્કૂલમાંથી ઈકોનોમિક્સના વિષયમાં 1968ના મે મહિનામાં બેચલરની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ત્રણ-ત્રણ વાર એમણે લગ્ન કર્યા છે. પ્રથમ લગ્ન 1977માં ઝેક મોડેલ ઈવાના ઝેલનીકોવા સાથે કર્યા છે. એ લગ્નમાંથી એમને ત્રણ સંતાનો ડોનાલ્ડ જુનિયર, ઈવાન્કા અને એરિક પ્રાપ્ત થયા છે. એમણે ઈવાના સાથે 1990માં છૂટાછેડા લીધા અને 1993માં એક્ટ્રેસ માર્લા મેપલ સાથે લગ્ન કર્યા જેનાથી એમને એક સંતાન ટીફની 1993માં પ્રાપ્ત થયું. માર્લાથી પણ એમણે છૂટાછેડા વર્ષ 1999માં લીધા. ત્યારબાદ એમણે સ્લોવેનિયન મોડેલ મિલાનિયા સાથે વર્ષ 2005માં તૃતીય લગ્ન કર્યા. એમના થકી એમને બેરોન નામનું એક સંતાન વર્ષ 2006માં પ્રાપ્ત થયું.
- Advertisement -
ડોનાલ્ડ ટ્રમ્પે એવું જણાવ્યું છે કે એમણે જિંદગીમાં દારૂ પીધો નથી, સીગરેટ ફૂંકી નથી, ડ્રગ્સનું સેવન કર્યું નથી. અને કસરત માટે તેઓ ગોલ્ફ રમે છે. તેઓ અમેરિકાના પહેલીવાર પ્રેસિડેન્ટ બન્યા એ પહેલાં વર્ષ 2004થી 2015 સુધી બે રિયાલીટી ટીવી શો ‘ધ એપ્રેંટિસ’ અને ‘ધ સેલિબ્રિટિ એપ્રેંટિસ’ પ્રોડ્યુસ કર્યા હતા અને એના તેઓ હોસ્ટ પણ બન્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ વિશે અનેક જાણીતા લેખકો અને પ્રખ્યાત જર્નાલિસ્ટોએ અસંખ્ય પુસ્તકો લખ્યા છે. દરેક લેખકે એમના વિશે જે જે વાતો એમના લેખનમાં એમના પુસ્તકમાં, જણાવી છે એ વાંચતાં વાચક ખરેખર અચંબો અનુભવવા લાગે છે. આ પુસ્તકો પણ ડોનાલ્ડ ટ્રમ્પને હંમેશ માટે યાદ રાખવા માટે મદદ કરશે.
20મી જાન્યુઆરી, 2025ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યું છે. અને અબ્રાહમ લીંકન જેમ ગુલામીપ્રથાના એમના વિચારો માટે જાણીતા છે, લોકો એમને યાદ કરે છે એ મુજબ જ ડોનાલ્ડ ટ્રમ્પને લોકો એમના ઈમિગ્રેશન તેમજ ઈમિગ્રન્ટો પ્રત્યેના વિચારો માટે યાદ કરશે. એમણે પ્રથમ વાર જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા ત્યારે તો ઈમિગ્રન્ટો વિરુદ્ધ અનેક પ્રકારના જુદા જુદા પગલાઓ લીધા હતા પણ બીજી વાર જ્યારે એમણે અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યું ત્યારે પહેલાં જ દિવસે એમણે સંખ્યાબંધ ઈમિગ્રેશનને લગતા એક્ઝિક્યુટિવ ઓર્ડરો ઉપર સહી કરી. એમાં મુખ્ય એક એક્ઝિક્યુટિવ ઓર્ડર એ હતો કે અમેરિકાના 14માં બંધારણમાં જે છૂટ આપવામાં આવી છે કે જે બાળક અમેરિકાની ધરતી ઉપર જન્મ લે એની માતા ગમે તે હોય પણ એ બાળકને અમેરિકાનું નાગરિકત્વ આપોઆપ પ્રાપ્ત થાય છે. અમેરિકના બંધારણમાં આ જે છૂટછાટ આપવામાં આવી છે એ એમણે સ્થગિત કરી દીધી છે.
એમના આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને કોર્ટે હાલ પૂરતું ડોનાલ્ડ ટ્રમ્પના આ ઓર્ડરને અટકાવી દીધો છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી, 2025 પછી અનેકો એક્ઝિક્યુટિવ ઓર્ડરો, કાયદાઓ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઈમિગ્રેશનને લગતા બહાર પાડ્યા છે જેનાથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે.
ઈ-લીગલ ઈમિગ્રન્ટો તો ડોનાલ્ડ ટ્રમ્પ નામથી થરથર કાંપે છે. લીગલ ઈમિગ્રન્ટો પણ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવો કાયો કાયદો લાવશે એ વિચારીને ધ્રુજે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે ઈમિગ્રન્ટો માટે, ઈ-લીગલ ઈમિગ્રન્ટો માટે, એ અનેક અમેરિકનોને સારું લાગે છે, સાચું લાગે છે. અનેકો એનો વિરોધ પણ કરે છે. ટ્રમ્પના કેટલાય એક્ઝિક્યુટિવ ઓર્ડરો સામે કોર્ટમાં કેસો થયા છે. એ બધા નિકાલ માટે પડેલા છે. હવે એનો અંત શું આવશે એની ખબર નથી. અને ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે’ એ મુજબા ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે શું કરશે? કયો નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર ઈમિગ્રન્ટો માટે બહાર પાડશે એ કહી શકાય એમ નથી.
પરદેશીઓ જેઓ અમેરિકા જવાની ઈચ્છા ધરાવે છે તેઓ હવે એમની દિશા બદલીને એમનું ધ્યાન કેનેડા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેંડ, યુરોપમાં ફ્રાન્સ, જર્મની, સ્પેન કે પછી દુબઈ યા સિંગાપોર આવા આવા દેશોમાં જવાનું વિચારી રહ્યા છે. આનાથી નુકસાન અમેરિકાને જ જશે. આ બધાં કારણોસર જેમ ગુલામીની બાબતમાં અબ્રાહમ લીંકનને આજ સુધી લોકો યાદ કરે છે એ મુજબ જ ટ્રમ્પને પણ લોકો વર્ષો સુધી યાદ કરશે.



