15 ફેબ્રુઆરી બાદ મુદ્દતમાં 6 મહિનાનો વધારો કરવાની શિક્ષણ વિભાગની તૈયારી
પોલિસીમાં ફેરાફાર થવાની શક્યતા નહીંવત : 90% પ્રી-પ્રાઈમરી સ્કૂલોનું રજિસ્ટ્રેશન હજુ બાકી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
ગુજરાતમાં પ્રી-પ્રાઈમરી સ્કૂલમાં રજિસ્ટ્રેશન કરાવવાની 15 ફેબ્રુઆરી અંતિમ તારીખ છે. તેમ છતા રાજ્યમાં ફક્ત 10 ટકા પ્રી-સ્કૂલોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, રાજ્ય સરકાર રજિસ્ટ્રેશનની મુદતમાં 6 મહિનામાં વધારો કરશે. 15 ફેબ્રુઆરી આસપાસ શિક્ષણ વિભાગ તેની જાહેરાત કરશે. જો કે, સરકારે જે પોલિસી નક્કી કરી છે તેમાં હાલની તકે કોઈ ફેરફાર કરાય તેવી શક્યતાઓ નહીંવત છે.
- Advertisement -
ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો સ્વીકાર કરાયા બાદ રાજ્યમાં ચાલતી પ્રી-સ્કૂલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ, સરકાર દ્વારા પ્રી-સ્કૂલના રજિસ્ટ્રેશન માટે જે શરતો મૂકવામાં આવી છે તેમાંથી કેટલીક શરતોનું પાલન કરવું સંચાલકો માટે શક્ય ન હોય વિરોધનો સૂર વ્યકત કરી રહ્યા છે. ગુજરાત ઈન્ડીપેન્ડેન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના પ્રમુખે કહ્યું હતું કે, મુદત ભલે વધારવામાં આવે, અમારી માગણી પણ સ્વીકારવામાં આવે.
રાજ્યમાં નાના રૂમથી લઈને મોટા બિલ્ડીંગ સુધી અલગ અલગ જગ્યાએ પ્રી- પ્રાઇમરી સ્કૂલો ચાલી રહી છે. પ્રી-પ્રાઇમરી સ્કૂલો કોઈપણ વિભાગ હેઠળ આવતી નથી અને અસંગઠિત રીતે ચાલી રહી હતી.નવી શિક્ષણનીતિ મુજબ પ્રી-પ્રાઇમરી સ્કૂલોને પણ શિક્ષણ વિભાગ હેઠળ લાવવામાં આવી રહી છે.જે માટે ગત વર્ષે શિક્ષણ વિભાગે પ્રી-પ્રાઇમરી સ્કૂલનો રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત કર્યું હતું.રજીસ્ટ્રેશન ઉપરાંત પ્રી-પ્રાઇમરી સ્કૂલો માટેની પોલિસી બનાવવામાં આવી હતી. પ્રી- પ્રાઇમરી સ્કૂલોની નવી પોલિસીને લઈને સંચાલકો અસહમત હતા. સંચાલકોએ આ અંગે વિરોધ પણ કર્યો હતો. સરકારને અનેક રજૂઆત પણ કરી હતી પરંતુ સરકાર દ્વારા પ્રી-પ્રાઇમરી સ્કૂલોની પોલિસીમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી જેને લઇને 90 ટકાથી વધુ પ્રી-પ્રાઇમરી સ્કૂલો હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. જોકે હવે મુદતમાં માત્ર 10 દિવસ બાકી હોવા છતાં હજારો સ્કૂલોની રજિસ્ટ્રેશન બાકી છે.
અત્યારે પ્રી-પ્રાઇમરી સ્કૂલો અસંગઠિત રીતે ચાલી રહી છે. જેના પર કોઈ પણ નિયંત્રણ નથી જેથી શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલોની રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલોમાં રજિસ્ટ્રેશન થયા બાદ પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં જોડાયેલી મહિલા શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલો માટેનો સિલેબસ બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.
- Advertisement -
15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર
નવી પોલિસીમાં બિલ્ડિંગ યુઝ પરમિશન માગી છે, જે એજ્યુકેશન ઇઞ હોવું ફરજિયાત છે. પ્રી-પ્રાઇમરી સ્કૂલ જે જગ્યાએ હોય ત્યાંનો 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર હોવો જોઈએ. પ્રી-પ્રાઇમરી સ્કૂલો પણ કોઈ ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજિસ્ટ્રેશન કરાવવાની રહેશે. પ્રી-પ્રાઇમરી સ્કૂલોએ દર વર્ષ એક વર્ગદીઠ 5 હજાર રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં સિનિયર અને જુનિયર સિવાય બાલવાટિકા ચલાવવી હોય તો પ્રાઇમરી સ્કૂલની માન્યતા પણ મેળવવી પડશે. પ્રી-પ્રાઇમરીની માન્યતા ના હોય તો માત્ર જુનિયર અને સિનિયરના વર્ગ જ ચલાવી શકાશે.