રાજકોટ મહાનગરપાલિકાએ RTI કાયદાની ઐસીતૈસી કરતો ઠરાવ કર્યો
-કાયદા મુજબ નકલ દીઠ બે રૂપિયા લેવાનાં હોય,
તેની ફી 100 રૂપિયા કરી
– જે પ્લાનની નકલ અગાઉ સો-બસ્સો રૂપિયામાં
મળતી તેનાં 2000 રૂપિયા કર્યાં
-માહિતી બહાર જાય તો ભ્રષ્ટાચારનો ખ્યાલ આવેને! માહિતી બહાર જવાનાં બધાં દરવાજા જ બંધ કરી દીધાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ મહાનગરપાલિકાની આખી મથરાવટી જ જાણે મેલી થઈ ગઈ હોય તેવાં સમાચાર રોજેરોજ આવી રહ્યાં છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જાણે માહિતી અધિકાર કાયદાની હત્યા કરી નાંખીને પોતાનો તમામ ભ્રષ્ટાચાર દબાવી દેવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે. ‘ખાસ-ખબર’ને જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિએ એવો ઠરાવ કરેલો છે કે, ટી.પી. શાખામાંથી કોઈ અરજદાર કે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ જો પ્લાનની નકલ માંગે તો તેની ફી રૂપિયા બે હજાર વસૂલવામાં આવશે અને સાદી નકલ હોય તો પ્રતિ કોપી સો રૂપિયાની ફી રહેશે.
આ ઠરાવ જ મહાનગરપાલિકાના બદઈરાદાઓની ચાડી ખાય છે. આખા ભારતમાં સરકારનાં નિયમ મુજબ પ્રતિ નકલ બે રૂપિયા અરજદાર પાસેથી લેવાનાં હોય છે. પ્લાનની નકલ જોઈતી હોય તો સો-બસ્સો રૂપિયા જેટલી ફી હતી. પરંતુ આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અને અન્ય અરજદારો ગેરકાયદે બાંધકામની નકલ માંગે જ નહીં અને અરજી કરે જ નહીં તે માટે ખાસ કિસ્સામાં આવો નિયમ બનાવાયો છે. વધુ ચોંકાવનારી વિગત તો એ છે કે, બી.પી.એલ. કાર્ડ ધરાવતાં અરજદારો માટે પણ આ જ તોતિંગ ફી ધોરણ નક્કી કરાયું છે. સામાન્ય નિયમ મુજબ બી.પી.એલ. કાર્ડ ધારકોને તમામ નકલો નિ:શૂલ્ક આપવાની હોય છે. પરંતુ અહીં બાંધકામના- ટી.પી. શાખાનાં ભ્રષ્ટાચારને ઢાંકવા માટે આ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
- Advertisement -
ભ્રષ્ટાચાર બહાર લાવવાનાં નહીં, ઢાંકવાના મલિન ઈરાદા
પ્લાન તથા અન્ય નકલો જો ટોકન દરથી અપાતી હોય તો તેનો સૌથી મોટો ફાયદો એ છે કે, મહાનગરપાલિકા અથવા જે-તે વિભાગને ગેરરીતિ, ભ્રષ્ટાચાર વગેરેની માહિતી અરજદારો તરફથી જ મળી જાય છે અને તંત્રની-અધિકારીઓની મહેનત બચી જાય. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના કિસ્સામાં ઊલ્ટું બન્યું છે- સત્તાધિશો સતત એ પ્રયત્નમાં રત છે કે, મલાઈદાર સમિતિઓનો ભ્રષ્ટાચાર લોકો સમક્ષ ન આવવો જોઈએ અને એ ઢંકાયેલો રહેવો જોઈએ.