સેન્ટર ફોર ફાઇનાન્સિયલ એકાઉન્ટાબિલીટી (ઈઋઅ) રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
‘વેલ્થ ટ્રેક ઇન્ડિયા: ટેક્સ ધ ટોપ, ક્લોઝ ધ ગેપ’ નામના અભ્યાસમાં વિગતો જાહેર કરાઇ
- Advertisement -
પરિસ્થિતિમાં સુધાર માટે અતિ અમીરો પર 2 ટકા વેલ્થ ટેક્સ લગાવવાની રિપોર્ટમાં ભલામણ કરાઇ
દેશના 1688 અતિ ધનિક પરિવારો પર વેલ્થ ટેક્સ લાગુ કરવામાં આવે તો દર વર્ષે અંદાજે 10.63 લાખ કરોડ રૂપિયાની આવક સરકારને પ્રાપ્ત થઈ શકે
છ વર્ષમાં દેશના અબજોપતિની સંખ્યામાં 77 ટકા, તેમની સંપત્તિમાં 227 ટકા વધારો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતમાં આર્થિક અસમાનતા ગંભીર સ્તરે પહોંચી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સેન્ટર ફોર ફાઇનાન્સિયલ એકાઉન્ટાબિલીટી (સીએફએ) દ્વારા જાહેર કરાયેલા ‘વેલ્થ ટ્રેક ઇન્ડિયા: ટેક્સ ધ ટોપ, ક્લોઝ ધ ગેપ’ નામના અભ્યાસ મુજબ છેલ્લા છ વર્ષમાં દેશના અબજોપતિઓની સંખ્યામાં 77 ટકા અને તેમની સંપત્તિમાં 227 ટકા જેટલો જંગી વધારો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર આ અસમાનતા આઝાદી પૂર્વ બ્રિટીશ શાસનના સમયને યાદ અપાવે છે. અભ્યાસ મુજબ 2019માં દેશના અમીરોની કુલ સંપત્તિ 31 લાખ કરોડ રૂપિયા હતી, જે 2025 સુધીમાં વધીને લગભગ 88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. દેશના સૌથી અમીર વર્ગે રાષ્ટ્રીય સંપત્તિના લગભગ 40 ટકા પર કબજો જમાવ્યો છે, જે અર્થતંત્રમાં વધતી અસમાનતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
છેલ્લા છ વર્ષ દરમિયાન દેશના પાંચ સૌથી મોટા ધનિક પરિવારોની સંપત્તિમાં લગભગ 400 ટકા વધારો નોંધાયો છે. તેમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, સાવિત્રી જિંદાલ, સુનિલ મિત્તલ અને શિવ નાદરનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન અંબાણીની સંપત્તિમાં 153 ટકા વધારો થયો છે, જ્યારે અદાણીની સંપત્તિમાં નોંધપાત્ર 625 ટકા વધારો નોંધાયો છે. રિપોર્ટમાં દર્શાવાયું છે કે દેશના ટોચના 10 ટકા લોકો પાસે કુલ રાષ્ટ્રીય આવકનો 60 ટકા હિસ્સો છે, જ્યારે સૌથી ગરીબ 50 ટકા લોકો માત્ર 15 ટકા આવક પર જીવન વિતાવે છે. ભારતે 2025 સુધીમાં 358 અબજોપતિઓનો આંક પાર કર્યો છે. ઉપરાંત, દેશમાં 1688 લોકો પાસે એક હજાર કરોડ રૂપિયા કરતાં વધુની સંપત્તિ છે, અને તેમની કુલ સંપત્તિ દેશની જીડીપીના લગભગ 50 ટકા જેટલી છે. આર્થિક અસમાનતાના બીજા પાસા તરીકે સામાજિક માળખાની અસર પણ સામે આવી છે.
રિપોર્ટ મુજબ દેશના અબજોપતિઓની કુલ સંપત્તિમાંથી લગભગ 90 ટકા હિસ્સો ઉચ્ચ જાતિના લોકો પાસે છે. 2019માં ટોચના 1 ટકા લોકો પાસે 36.5 ટકા સંપત્તિ હતી, જે હવે વધીને 40.1 ટકા થઈ ગઈ છે, જ્યારે ગરીબ 50 ટકા લોકોનો હિસ્સો માત્ર 6.4 ટકા સુધી મર્યાદિત રહ્યો છે. સીએફએએ આ પરિસ્થિતિમાં સુધાર માટે અતિ અમીરો પર 2 ટકા વેલ્થ ટેક્સ લગાવવાની ભલામણ કરી છે. રિપોર્ટ મુજબ જો આ ટેક્સ અમલમાં આવે તો મોટા પ્રમાણમાં સામાજિક કલ્યાણ યોજનાઓને વેગ મળી શકે છે. ઉદાહરણ તરીકે, અંબાણી પર 2 ટકા ટેક્સથી આશરે 1.85 કરોડ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવામાં આવી શકે. અદાણી પર આ જ દરે ટેક્સ લગાવવામાં આવે તો દેશની પ્રાથમિક આરોગ્ય સેવાઓનો બે વર્ષનો ખર્ચ ઊઠાવી શકાય. તે જ રીતે, સાવિત્રી જિંદાલ પર ટેક્સથી અનુસૂચિત જાતિ માટેની શિષ્યવૃત્તિના 14 વર્ષના ખર્ચની પૂર્તિ થઈ શકે છે. કુલ મળીને, દેશના 1688 અતિ ધનિક પરિવારો પર વેલ્થ ટેક્સ લાગુ કરવામાં આવે તો દર વર્ષે અંદાજે 10.63 લાખ કરોડ રૂપિયાની આવક સરકારને પ્રાપ્ત થઈ શકે છે. આ અભ્યાસે સ્પષ્ટ કર્યું છે કે ભારતની આર્થિક વૃદ્ધિ સાથે અસમાનતાનો અંતર પણ ઝડપથી વધ્યો છે, અને આ ખાઈને પૂરવા માટે નીતિગત હસ્તક્ષેપ અનિવાર્ય બન્યો છે.



