‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ એ ડિવિઝન પોલીસની કાર્યવાહી, બે શખ્સોને ઝડપી લીધાં
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નગરપાલિકાના મેદાનમાં ગુરુવારે જાહેરમાં એક શખ્સ દેશી દારૂ ઢીંચતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ આ વીડિયોની તપાસ કરવા ‘ખાસ-ખબર’ ટીમ પાલિકાએ પહોંચી હતી જ્યાં આરોપી હાજર મળી આવ્યો ન હતો અને ફરાર થઈ ગયો હતો પરંતુ દેશી દારૂની કોથળી તે જગ્યાએથી જ મળી આવી હતી. આ અંગે ગઈકાલે ‘ખાસ-ખબર’ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જે અહેવાલ બાદ એ ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીની કલાકોમાં જાહેરમાં દારૂ પીનાર બે શખ્સોને ઝડપી પાડીને કાયદાના પાઠ ભણાવ્યા હતા.
મોરબી પાલિકાના ગ્રાઉન્ડમાં અમુક શખ્સો ખુલ્લેઆમ દેશી દારૂની કોથળી ગટગટાવતા હોવાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયા બાદ ‘ખાસ-ખબર’ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જે અહેવાલ બાદ એ ડિવિઝન પોલીસે બે શખ્સોને દબોચી લીધા છે જેમાં વીડિયોમાં પીળા રંગનો શર્ટ પહેરનાર કમલેશભાઈ માલાભાઈ ભુરિયા (ઉં.વ. 38 રહે. પાડાપૂલ નીચે ઝૂંપડામાં, મૂળ રહે. હિંડોળીયા તા. ફતેપુરા જી. દાહોદ) અને લાલ રંગના શર્ટમાં રહેલા ડાયાભાઈ મોહનભાઈ મકવાણા (ઉં.વ. 28, રહે. મોટી બરાર તા. માળીયા) ને ઝડપી પાડી બંને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.