શૈલવાણી
– શૈલેષ સગપરિયા
મોરબી જિલ્લાના માળીયા-મિયાણા તાલુકામાં સરવડ નામનું એક ગામ છે. આ ગામમાં રહેતા ધીરુભાઈ ગોગરા ડ્રાઇવર તરીકે કામ કરીને એના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ધીરુભાઈના પિતાશ્રી મોમૈયાભાઈ પણ રાજકોટની જિલ્લા પંચાયત કચેરીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. ધીરુભાઈના સંતાનો રજાઓના દિવસોમાં દાદાને મળવા અને રોકાવા માટે ઘણી વખત રાજકોટ આવતાં હતાં.
- Advertisement -
એક વખત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો ધીરુભાઈનો મોટો દીકરો નિર્મળ પોતાના દાદાને ત્યાં રોકાવા માટે રાજકોટ આવેલો. તે વખતે મોમૈયાભાઈ જિલ્લા વિકાસ અધિકારીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. જિલ્લા વિકાસ અધિકારીની ગાડી જોઇને પ્રભાવિત થયેલા નાનકડા નિર્મળે દાદાને પૂછયું, “દાદા, આ ગાડી બીજી સરકારી ગાડી કરતાં જુદી કેમ છે ? આ તો લાલ લાઇટવાળી મસ્ત મજાની કાર છે.” દાદાએ સમજાવતાં કહ્યું, “બેટા, આ મોટા સાહેબની ગાડી છે. મને વધારે તો ખબર નથી, પણ ભણીગણીને મોટા સાહેબ બનવાની પરીક્ષા પાસ કરવી પડે. પછી આવી ગાડી મળે.”
વિદ્યાર્થી નિર્મળના મનમાં ત્યારથી એક સ્વપ્નબીજ રોપાય: મારે પણ મોટા સાહેબ બનવું છે એવા સંકલ્પ સાથે સરવડ ગામની સરકારી શાળામાંથી જ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી નિર્મળ આગળના શિક્ષણ માટે રાજકોટ આવ્યો. શિક્ષણ જેમ જેમ આગળ વધતુ ગયું તેમ તેમ મોટા સાહેબ બનવાનું સપનું પણ વધુ સ્પષ્ટ થતું ગયું. એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નિર્મળ ગોગરાએ એનું સંપૂર્ણ ધ્યાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પર કેદ્રિત કર્યું. ડ્રાઇવરનો પુત્ર અને પૌત્ર પણ જો ઇચ્છે તો એનાં સપનાંને સાકાર કરી શકે એવા વિશ્વાસ સાથે નિર્મળે તનતોડ મહેનત શરૂ કરી.
2011ના અંતિમ મહિનામાં તૈયારીઓ શરૂ કરેલી એનું પ્રથમ ફળ માત્ર એક જ વર્ષમાં ચાખવા મળ્યું. 2012ના નવેમ્બર મહિનામાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા પાસ કરી. સપનું તો અધિકારી બનવાનું જ હતું એટલે સંતોષ માનીને બેસી રહેવાને બદલે આગળની પરીક્ષાઓની તૈયારી ચાલુ જ રાખી. નિર્મળની મહેનત રંગ લાવવા લાગી. આ છોકરાએ અત્યાર સુધીમાં એક કે બે નહીં પણ જુદી જુદી 32 સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી છે. કેટલાક યુવાનો ફરિયાદ કરતા હોય છે કે અમને નોકરી મળતી નથી, જ્યારે નિર્મળની સામે તો જુદી જુદી 32 જેટલી નોકરીઓ આવી. કઈ લેવી અને કઈ છોડવી એ પ્રશ્ર્ન ઊભો થાય. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા લેવાતી અધિકારીઓની ભરતી માટેની પરીક્ષા પણ નિર્મળે એક કરતાં વધારે વખત પાસ કરી અને અત્યારે આ સામાન્ય છોકરો નાણાવિભાગના ક્લાસ-1 અધિકારી તરીકે જીએસટી વિભાગમાં મદદનીશ કમિશ્નર તરીકે એમની સેવાઓ આપે છે. માણસ હતાશ થયા વગર સતત પ્રયત્નો કરતો રહે, તો એક દિવસ સફળતા એને વરવા માટે વરમાળા હાથમાં લઈને સામે ચાલીને આવે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
- Advertisement -
સત્તાની સાથે જવાબદારીઓ પણ સંભાળો
31મી જાન્યુઆરી, 2018ને બુધવારના રોજ બ્રિટિશ પાર્લામેન્ટ એના નિર્ધારિત સમયે શરૂ થઈ. પાર્લામેન્ટ શરૂ થઈ ગઈ હતી અને મોટા ભાગના સભ્યો પણ પાર્લામેન્ટમાં હાજર હતા. પાર્લામેન્ટના એજન્ડા પ્રમાણે એક મહત્ત્વના પ્રશ્ર્નની ચર્ચા ચાલી રહી રહી. આપને સૌને ખ્યાલ હશે કે પાર્લામેન્ટમાં જે વિષયની ચર્ચા ચાલતી હોય એ વિષય સંભાળતા મંત્રી ચર્ચામાં હાજર રહેતા હોય છે અને ચર્ચા બાદ પાર્લામેન્ટના સભ્યો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્ર્નોના મંત્રીશ્રી પોતાના વિભાગ વતી જવાબ આપતા હોય છે.
બ્રિટિશ સરકારના મંત્રી લોર્ડ માઇકલ બટ્સ પાર્લામેન્ટમાં થોડા મોડા પહોંચ્યા. મંત્રીશ્રી જ્યારે પાર્લામેન્ટમાં આવ્યા ત્યારે એના વિભાગના એક પ્રશ્ર્ન પર ચર્ચા ચાલી રહી હતી. એક સીનિયર સભ્ય દ્વારા પાર્લામેન્ટ સમક્ષ મૂકવામાં આવેલા પ્રશ્ર્નને સાંભળવા માટે ખુદ મંત્રી જ ગેરહાજર હતા. લોર્ડ માઇકલ બટ્સે જોયું કે એમના જ વિભાગને લગતા એક મહત્ત્વના પ્રશ્ર્નની ચર્ચા વખતે બાકીના બધા હાજર છે, પણ મંત્રી તરીકે એ પોતે જ
ગેરહાજર હતા.
માઇકલ બટ્સે માત્ર પોતાની ભૂલનો એકરાર કરીને સંતોષ માનવાના બદલે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાર્લામેન્ટના સૌ સભ્યોને ઉદ્દેશીને કહ્યું, “કોઈ સભ્ય મારા વિભાગને લગતો કોઈ પ્રશ્ર્ન ગૃહ સમક્ષ રજૂ કરતા હોય ત્યારે મંત્રી તરીકે હું હાજર ન હોઉં એ મારા માટે શરમની વાત છે. ગૃહમાં થોડી મિનિટ મોડો પહોંચ્યો એ બદલ હું બધાની માફી માંગું છું. મને એવું લાગે છે કે જો મારા વિભાગના પ્રશ્ર્નની ચર્ચા વખતે પણ જો હું સમયસર હાજર ન રહી શકતો હોઉં તો મને મંત્રીના હોદ્દા પર ચાલુ રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. મારી આ ભૂલ બદલ હું મંત્રી તરીકેના હોદ્દા પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું.”
ગૃહમાં હાજર સભ્યો “ના” બોલતા રહ્યા અને માઇકલ બટ્સ મંત્રી તરીકેના પોતાના રાજીનામાનો પ્રસ્તાવ મૂકીને પાર્લામેન્ટ છોડી જતા રહ્યા.મોટો હોદ્દો માત્ર વટ પાડવા જ નથી હોતો, સત્તાની સાથે જવાબદારી પણ ઉપાડવાની હોય છે. જ્યારે કોઈ તમને સત્તા આપે છે ત્યારે સત્તા આપનારાઓ પ્રત્યે આપણી જવાબદારીઓ પણ હોય છે, એ ભુલાવું
ન જોઈએ.