ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરમાં આજે અષાઢી બીજ નિમિતે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મોરબીના મહેન્દ્રપરા પાસે આવેલ મચ્છુ માતાની જગ્યાએથી રામઘાટ ખાતે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધી આ શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રા દરમિયાન નહેરુ ગેટ ચોકથી ગ્રીન ચોકની વચ્ચે એક દુકાનની દીવાલનો પિલર ધડાકાભેર તૂટી પડયો હતો. આ પિલર શોભાયાત્રામાં જોડાયેલ એક ભાવિક પર પડતા તેમને ઈજા પહોંચી હતી. આ ઘટના વખતે વધુ લોકો હાજર ન હતા તેમજ જે પિલર તુટ્યો તેની ઉંચાઈ વધુ ન હોવાથી ગંભીર ઘટના બની ન હતી અને સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. મોરબીમાં યોજાતી શોભાયાત્રાના પગલે નગરપાલિકાના સિવિલ એન્જીનીયર તેમજ અન્ય બે લોકોની ટીમે સર્વે પણ કર્યો હતો જોકે પાલિકાની આ ટીમને એક પણ જર્જરિત પિલર દેખાયો ન હતો તો પાલિકાની આ ટીમ દ્વારા કેવો સર્વે કરાયો તે પણ એક સવાલ છે. આ રથયાત્રા પૂર્વે પોલીસે ત્રણ દિવસ ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હોવાના દાવા છતાં આ દીવાલનો પિલર તૂટી પડ્યો હતો અને એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.
શોભાયાત્રા દરમિયાન જર્જરિત દુકાનનો પિલર ધરાશાયી
