પોલીસ વેરિફિકેશન માટે લાગતો સમય પણ ઘટશે
પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં પણ સુવિધાઓમાં થશે વધારો
- Advertisement -
નવા વર્ષની સાથે હવે વિદેશ મંત્રાલય પણ પાસપોર્ટ ઓછામાં ઓછા સમય અને સરળતાથી ઈસ્યુ થઈ શકે તે માટે પાસપોર્ટ સેવા પ્રોજેક્ટ 2.0 શરૂ કરશે. આ પ્રોજેક્ટના અમલી થતાની સાથે જ પાસપોર્ટ ઈસ્યુ કરવાની પ્રક્રિયા પેપરલેસ થશે અને પોલીસ વેરિફિકેશન માટે લાગતા સમયમાં પણ ઘટાડો થશે.
વર્ષ 2012-13માં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા પ્રોજેક્ટ 1.0 લોન્ચ કર્યો હતો. જેમાં પાસપોર્ટ કઢાવવા માટે ઓનલાઈન એપોઈન્મેન્ટ લેવા માટેની પ્રક્રિયા શરુ કરાઈ હતી જેનાથી અરજદારોને મોટી રાહત મળી હતી ત્યારે હવે વિદેશ મંત્રાલય પાસપોર્ટ સેવા પ્રોજેક્ટ 2.0 શરૂ કરવા જઈ રહ્યા છે જેમાં પાસપોર્ટ કઢાવવા માટેના સર્વરમાં ટેકનોલોજીકલ સુધારા કરવામાં આવશે. સાથે જ પાસપોર્ટની મોબાઈલ એપ્લિકેશનમાં આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરાશે જેનાથી આ એપ્લિકેશન અરજદારો માટે એપ્લીકેશન યુઝર ફ્રેન્ડલી બની જશે,,આ ઉપરાંત ડિજીટલ સિગ્નેચર પેડનો ઉપયોગ પાસપોર્ટ સેવા પ્રોજેક્ટ 2.0 માં કરાશે. જેનાથી પાસપોર્ટમાં સીગ્નેચરની પ્રક્રિયા પેપરલેસ થઈ જશે.
આ સાથે જ નાના જિલ્લાઓમાં રહેતા નાગરિકો પણ સરળતાથી પાસપોર્ટ કઢાવી શકે તે માટે વિવિધ જિલ્લાઓની પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં પણ સ્ટાફ વધારવામાં આવશે. આવા વિવિધ પોસ્ટ ઓફિસના પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં પાસપોર્ટ માટેના કાઉન્ટરની સંખ્યા વધારીને ડબલ કરવામાં આવશે. આ ઉપરાંત પાસપોર્ટ માટે સૌથી જરૂરી એવી પોલીસ વેરિફિકેશન પ્રક્રિયા વધુ ઝડપી થાય તેના માટે એમપાસપોર્ટ સેવાનો ઉપયોગ 2 જિલ્લાથી વધારીને 5 જિલ્લાઓમાં કરાશે જેનાથી પોલીસ વેરિફિકેશનમાં સમય મર્યાદા 9 દિવસથી ઘટીને 6 દિવસ થઈ જશે.