પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2025નું આયોજન વ્યસનમુક્તિના સંદેશથી પ્રેરિત કરવાવાળી થીમથી કરાશે
પાંચ બ્રહ્મરત્નોને પુરસ્કારીત કરવા સાથે વ્યસનમુક્તિની થીમ ઉપર કાર્યક્રમ યોજી સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાની પહેલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી પરશુરામ યુવા સંસ્થાન- રાજકોટ દ્વારા સંસ્થાનના સ્થાપક, રાજ્યસભાના સાંસદ, પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજના જન્મદિન નિમિત્તે પરશુરામ એવોર્ડ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનું કામ સંસ્થાન દ્વારા કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 2-4-2025ના અભયભાઈના જન્મદિવસ નિમિત્તે પરશુરામ યુવા સંસ્થાન- રાજકોટ દ્વારા પાંચ બ્રહ્મરત્નોને ‘પરશુરામ એવોર્ડ’ અર્પણ કરવામાં આવશે. પાંચ બ્રહ્મપ્રતિભા કે જેમણે સમાજ માટે અને પોતાના વિધ-વિધ ક્ષેત્રે વિશેષ યોગદાન પ્રદાન કરી રાષ્ટ્ર અને સમાજનું નામ આગળ ધપાવ્યું છે તેવા પાંચ બ્રાહ્મણોને પૂજનીય સંતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, વિવિધ સ્તરના અગ્રણીઓ અને બ્રહ્મપરિવારોની હાજરીમાં તેમનું પરશુરામ એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવશે. આ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2025 અભયભાઈના સ્નેહી એવા ગુજરાત રાજ્યના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાશે. સમારોહનું ઉદ્ઘાટન હિંદુ ધર્મ આચાર્ય સભાના સંયોજક તેમજ આર્ષ વિદ્યામંદિર, રાજકોટના પરમાત્માનંદ સરસ્વતીજીના શુભ હસ્તે કરવામાં આવશે.
સમારોહનું દિપ પ્રાગટ્ય સ્વામી બ્રહ્મતીર્થ સ્વામી તથા આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડો. લંકેશબાપુના વરદ્હસ્તેથી કરવામાં આવશે. સાથે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટના અપૂર્વમુનિ સ્વામીજી સમારોહમાં આશીર્વચન પાઠવશે. ઉપરાંતમાં સમારોહમાં જે સંતોનું પાવન સાનિધ્ય પ્રાપ્ત થવાનું છે તેમાં ઘનશ્યામજી મહારાજ, જૈન્તિરામ બાપા અને રમેશભાઈ શુક્લની પાવન ઉપસ્થિતિમાં સંપૂર્ણ સમારોહ યોજાશે.
- Advertisement -
પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહના પ્રારંભ પહેલાં હાસ્ય કલાકાર કપીલભાઈ જોષી દ્વારા હાસ્યરસ પીરસવામાં આવશે. ત્યારબાદ બ્રાહ્મણોના ઈષ્ટદેવ એવા દેવાધિદેવ મહાદેવની સ્તુતિઓ તેમજ ભજનોની પ્રસ્તુતિ પ્રસિદ્ધ લોકગાયકો ઉર્વશીબેન પંડ્યા, તેજસભાઈ ત્રિવેદી, ભાસ્કરભાઈ શુક્લ અને મ્યુઝિકમાં રાજુભાઈ ત્રિવેદી, તબલામાં દિલીપભાઈ ત્રિવેદી તેમજ સાજિંદા ગ્રુપ દ્વારા કરવામાં આવશે. પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2025નું આયોજન વ્યસનમુક્તિના સંદેશથી પ્રેરિત કરવાવાળી થીમથી કરવામાં આવશે. જે મહાનુભાવોને પરશુરામ એવોર્ડ 2025 અર્પણ થવાનો છે તેમાં ધાર્મિક- વૈદિક ક્ષેત્રે પુષ્કરરાય કલ્યાણજી જાનીનું નામ ખૂબ જ સન્માનપૂર્વક લેવામાં આવે છે.
આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે અંશભાઈ ભારદ્વાજ, નિરંજનભાઈ દવે, જયેશભાઈ ભટ્ટ, સૌરભભાઈ જોષી, કુણાલભાઈ દવે, અતુલભાઈ જોષી, મિહિરભાઈ શુક્લ, મંથનભાઈ જોષી, અમિતભાઈ જોષી, પંકજભાઈ દવે આવ્યા હતા.
પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ સંસ્થાનના સ્થાપક અભયભાઈના પુત્ર અંશ અભયભાઈ ભારદ્વાજ તેમજ તેમની ઓફીસ ટીમ અને નિરંજનભાઈ દવે તેમજ પરશુરામ યુવા સંસ્થાનની ટીમ સમારોહને સફળ બનાવવા કમર કસી છે.
પુષ્કરરાય કલ્યાણજી જાની – એક કર્મકાંડી બ્રાહ્મણ તરીકે શૂન્યમાંથી સર્જન કરનાર છે. તેમની શૈક્ષણિક યાત્રા ઈ.સ. 1966થી શ્રી કૃષ્ણ સંસ્કૃત પાઠશાળા બેટદ્વારકાથી શરૂ કરી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય- પેટલાદથી બનારસ હિંદુ વિશ્ર્વવિદ્યાલય અને ત્યાંથી બંગીય સંસ્કત ભવન- કલકત્તા સુધી પહોંચી. જ્યાં તેમણે સંસ્કૃત, વ્યાકરણ અને વૈદિક શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેમણે ઈ.સ. 1978માં પોતાના નિવાસસ્થાને ચાર ઋષિકુમારોથી સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ કર્યો અને આગળ જતાં તે પાઠશાળાને સંતોષાનંદ સંસ્કૃત પાઠશાળા તરીકે ઓળખવામાં આવી. આજે આ જ પાઠશાળામાંથી દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર શાસ્ત્રીઓ નીકળ્યા છે. અત્યાર સુધીમાં અસંખ્ય વિદ્યાર્થીઓ આ પાઠશાળામાંથી વૈદિક શાસ્ત્રો અને સંસ્કૃતનું જ્ઞાન મેળવી આજે વિશ્ર્વભરમાં કર્મકાંડી બ્રાહ્મણ તરીકે સંસ્કૃતિને અને સંસ્કૃતને જીવંત રાખવાનું કામ કરી રહ્યા છે.
ડો. જગદીશભાઈ ત્રિવેદી-સેવા ક્ષેત્ર, હાસ્ય અને લોકસાહિત્ય ક્ષેત્રે ડો. જગદીશભાઈ ત્રિવેદીનું નામ ખૂબ જ સન્માનપૂર્વક લેવાય છે. તેઓ અત્યંત લોકપ્રિય કલાકાર છે. તેમણે બ્રાહ્મણ પરિવારો અને સમાજની ઉન્નતિ માટે તથા શૈક્ષણિક વિકાસ માટે પોતાનું આર્થિક પ્રદાન આપ્યું છે. અત્યાર સુધીમાં તેઓએ વિવિધ રચનાત્મક, કેળવણીલક્ષી પ્રવૃત્તિઓમાં અને સામાજિક કાર્યોમાં રૂપિયા 13 કરોડનું માતબર દાન તેઓ આપી ચૂક્યા છે. ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમી- દિલ્હીએ તેમને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર અર્પણ કર્યો છે. તેઓએ ત્રણ પ્રતિજ્ઞાઓ- આજીવન સફેદ વસ્ત્રો જ પહેરીશ, વાળ કાળા નહીં કરું અને પુરસ્કારની રકમ અંગત ઉપયોગમાં નહીં લઉં-ને આજસુધી તેઓ ચુસ્ત રીતે પાડી રહ્યા છે.
રાજેન્દ્રભાઈ રાવલ- ઉદ્યોગ ક્ષેત્ર, બ્રાહ્મણ પરિવારમાં જન્મ લઈ રાજેન્દ્રભાઈ રાવલએ સૌરાષ્ટ્રમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા તેમણે ગોંડલ તાલુકાના બંધીયા ગામથી લઈને મુંબઈ સુધીની સફર પૂર્ણ કરી છે. તેમના અગ્રજ પુષ્કરભાઈ રાવલ દ્વારા સંચાલિત રાજકોટની તપોવન સ્કૂલને તેમની ટ્રસ્ટી તરીકેની કુનેહભરી સેવા પ્રાપ્ત થઈ છે. જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય તે કોલેજના ટ્રસ્ટી બનવાનું ગૌરવ પણ તેમને પ્રાપ્ત થયું છે કેમ કે તેઓ રાજકોટની પી.ડી.એમ. કોલેજમાં ભણ્યા અને એ જ કોલેજમાં આજે તરવરાટ સાથે તેઓ ટ્રસ્ટી તરીકે સેવારત છે. તેમણે ડબલ ડિજિટમાં રહેલ ઉદ્યોગ ધંધા, વ્યવસાય અને સેવાકીય ફલક પર પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડેલું છે.
ડો. જે. જે. રાવલ- વિજ્ઞાન ક્ષેત્ર, ડો. જે. જે. રાવલ એક એવું બ્રાહ્મણ નામ છે કે જેને કોઈ પ્રસિદ્ધિની જરૂર નથી. તેઓનું વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહેલું છે. ડો. જે. જે. રાવલ એપ્લાઈડ મેથેમેટિક્સ અને પ્યોર મેથેમેટિક્સની પદવી મુંબઈ યુનિવર્સિટીમાંથી મેળવી છે. કલકત્તા યુનિવર્સિટીમાંથી એસ્ટ્રોફિજીક્સમાં પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેમણે નહેરુ પ્લેનેટોરિયમના ડિરેકટર અને ડિરેકટર રિસર્ચ તરીકે સેવા બજાવી છે. ડો. રાવલે કુલ 40 સંશોધનપત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંશોધન સામયિકમાં પ્રસિદ્ધ કર્યા છે. ડો. રાવલે છેલ્લા 43 વર્ષથી રવિવારની સાપ્તાહિક આવૃત્તિમાં ખગોળ વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક તરીકે લેખો લખતા આવ્યા છે. તેમણે વિખ્યાત પત્રકાર મનુભાઈ મહેતા એવોર્ડ, મરાઠી વિજ્ઞાન પરિષદનો પ્રતિષ્ઠિત રમાબાઈ આપ્ટે પુરસ્કાર, ભારત સરકારના વિજ્ઞાન અને તંત્ર-વિજ્ઞાન મંત્રાલય તરફથી એવોર્ડ વિદ્વાન પત્રકાર માટેનો ગુજરાત સરકારનો એવોર્ડ, ગુજરાતરત્ન એવોર્ડ, હળવદ રત્ન એવોર્ડ વગેરે એવા અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
ભરતભાઈ યાજ્ઞિક- કળાક્ષેત્ર, બ્રાહ્મણ પરિવારમાં જન્મ લઈ ભરતભાઈ યાજ્ઞિકે સૌરાષ્ટ્રમાં એક નાટ્યકાર લેખક, નાટ્ય નિર્દેશક, અભિનેતા અને રેડીયો-મંચ સંચાલક તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી તે સમગ્ર બ્રહ્મસમાજ માટે ગૌરવપ્રદ બાબત છે. તેઓએ નાટ્ય પ્રશિક્ષણ કાર્યશાળાઓ તથા રાજ્ય અને કેન્દ્રીય સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે સેવાઓ આપી છે. તેઓ રંગમંચની આજીવન સેવા માટે ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર તથા નટરાજ હનુમંત પુરસ્કારથી સન્માનિત થયા છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મહારાષ્ટ્રના તત્કાલીન સાંસ્કૃતિક મંત્રી પ્રમોદ નવલકરજીના હસ્તે સન્માનિત થવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ પ્રકારના વિવિધ કલા તથા નાટ્ય ક્ષેત્રના પુરસ્કારોથી તેઓ સન્માનિત થયા છે.
અભયભાઈના જન્મદિવસ નિમિત્તે અનેક નામી અગ્રણીઓ, સમાજના વિવિધ ક્ષેત્રના નેતાઓ, કાર્યકરો બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી ઉપસ્થિત રહેવાના છે. આ સમારોહને સફળ બનાવવા આયોજનનો દોર શરૂ થઈ ગયો છે. બ્રહ્મસમાજના વિવિધ તડગોળના પ્રમુખો, હોદ્દેદારો, બ્રહ્મસમાજના વિવિધ સંસ્થાના અગ્રણીઓની બેઠકો યોજાઈ ગઈ. જેમાં તમામ બ્રહ્મઅગ્રણીઓએ તા. 2-4-2025 પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહને સફળ બનાવવા સંકલ્પ લીધો છે.
પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ-2025 સંસ્થાનના સ્થાપક અભયભાઈના પુત્ર અંશ અભયભાઈ ભારદ્વાજ તેમજ તેમની ઓફીસ ટીમ અને નિરંજનભાઈ દવે તેમજ પરશુરામ યુવા સંસ્થાનની ટીમ સમારોહને સફળ બનાવવા કમર કસી છે. પરશુરામ યુવા સંસ્થાનને બ્રાહ્મણ જ્ઞાતિના પરિવારોને બહોળી સંખ્યામાં સમારોહમાં પધારવા આમંત્રણ આપેલું છે. કાર્યક્રમના સમાપન બાદ બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.