કોઈ પણ પક્ષને જીત માટે અન્ય જ્ઞાતિઓનો સાથ પણ એટલો જ જરૂરી !
મતબેંક કવર કરવા ત્રણેય પક્ષોએ પાટીદાર ઉમેદવારોને મેદાને ઉતાર્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી માળીયા વિધાનસભા બેઠક પર ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થઈ જતાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ બેઠક પર હવે ભાજપ, કોંગ્રેસ, આપ અને બસપા સહીત 17 ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા છે અને હવે આ 17 ઉમેદવાર વચ્ચે તા. 1 ડીસેમ્બરે સીધી ટક્કર થવાની છે તો બીજી તરફ દરેક ઉમેદવારો સમાજ અને ધર્મના મતદારોના મત મેળવવા ઘરે ઘરે અને સામાજિક આગેવાનોને મળી વધુને વધુ મત મેળવવા મથી રહ્યા છે ત્યારે આ બેઠક પર ક્યાં સમાજના મતદારો ક્યાં ઉમેદવાર પર રીજે તે જોવું રહ્યું ! મોરબી માળીયા વિધાનસભા બેઠક પર જ્ઞાતિ આધારિત મતદારોની વાત કરીએ તો, આ બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ રહ્યું છે અને આ બેઠક પર નોંધાયેલા કુલ મતદાર 2,86,686 મતદારોમાંથી લગભગ 25 ટકા મતદારો એટલે કે 78,406 પાટીદાર સમાજના મતદારો છે.
આ મતદારો ભાજપ અને કોંગ્રેસ બંને તરફ મતદાન કરતા જોવા મળ્યા છે. ભૂતકાળમાં 2017 માં પાટીદાર અનામત આંદોલન વખતે મોટાભાગના મતદારોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. આ પહેલા આ મતદારો ભાજપ તરફી જોવા મળ્યા હતા તો આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન પાટીદાર મતદારો પોતાના તરફ વળે તે માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ દ્વારા પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે ત્યારે હવે આ પાટીદાર મતદારો કોઈ એક પક્ષ તરફથી મતદાન કરે છે કે ત્રણેય પક્ષ તરફથી તે જોવું રહ્યું !