ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં આવેલા ઉપરકોટનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. ઉપરકોટ અંદરથી સુંદર બની ગયો છે, પરંતુ બહારથી જર્જરિત બની રહ્યો છે. ઉપરકોટની દિવાલમાં વૃક્ષો ઉગી નીકળ્યાં છે તો કેટલીક જગ્યાએ તિરાડો પડી ગઈ છે. ઉપરકોટનાં કિલ્લા પાછળ રૂપિયા 45 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ઉપરકોટનાં કિલ્લામાં 80 ટકા જેટલું રિનોવેશનનું કામ પૂર્ણ થયું છે. હવે ઉપરકોટ નવા જ રંગરૂપમાં જોવા મળશે. પરંતુ નવા રંગરૂપમાં માત્ર અંદરની બાજુએથી જોવા મળશે. ઉપરકોટની બહારની બાજુ જર્જરિત બની રહી છે. ઉપરકોટનાં કિલ્લાની દિવાલમાં વૃક્ષો ઉગી નીકળ્યા છે. આ વૃક્ષો કિલ્લાની દિવાલને જર્જરિત બનાવી રહ્યાં છે. વૃક્ષોના મૂળિયાં નીચે સુધી પહોંચી ગયા છે તેમજ કેટલીક જગ્યાએ દિવાલમાં તિરાડો પડી ગઈ છે. સરકાર દ્વારા 45 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ કિલ્લાની બહારની બાજુ કોઈ જ કામ થઈ રહ્યું નથી. સરકારનાં 45 કરોડ રૂપિયા પાણીમાં જવાની સંભાવના છે. એટલું જ નહીં 3 દિવસ પહેલાં રાણકદેવીના મહેલનો ઘુમ્મટ પડ્યો હતો. જેમાં એકનું મોત થયું હતું. ફરી આવી ઘટનાઓ બનવાની સંભાવના રહેલી છે. તંત્રની બેદરકારી મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે તેમ છે. વહેલી તકે બહારની બાજુએ પણ કામ થાય તે જરૂરી છે.
- Advertisement -
ઉપરકોટની દિવાલમાં વૃક્ષો ઉગી નીકળ્યા, ઠેર-ઠેર તિરાડો પડી
ચોમાસામાં કિલ્લાની દિવાલ પડી હતી
ઉપરકોટનો કિલ્લો હજારો વર્ષ જૂનો છે. ઉપરકોટનો કિલ્લો બન્યો તેનો કોઈ ચોક્કસ સમય મળતો નથી. હજારો વર્ષ જૂનો કિલ્લો જર્જરિત બની રહ્યો છે ત્યારે ચોમાસામાં કિલ્લાની દિવાલનો થોડોક ભાગ પડી ગયો હતો. બહારની બાજુએ દિવાલ પડી હતી.
મજેવડી ગેઈટની પણ દુર્દશા
જૂનાગઢમાં થોડાંક વર્ષો પહેલાં મજેવડી ગેઈટનું રિનોવેશન કરવામાં આવ્યું હતું ત્યારે મજેવડી ગેઈટ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવાની વાત હતી, પરંતુ ઉદ્ઘાટનનાં વર્ષો પછી પણ ખુલ્યો નથી. ધીમે-ધીમે ગેઈટની દુર્દશા થવા લાગી છે તેવી જ રીતે સરદાર પટેલ ગેઈટની હાલત થાય તેવી સંભાવના છે.