કોરોના કાળ પછી ભારતીય શેરબજારે તેજીની હરણફાળ ભરી છે અને લાખોની સંખ્યામાં નાના ઇન્વેસ્ટરો પણ રોકાણ કરવા લાગ્યા છે ત્યારે દેશમાં પ્રથમ વખત ડીમેટ ખાતાઓની સંખ્યા 10 કરોડને પાર થઇ છે.
નેશનલ સિક્યુરીટી ડીપોઝીટરી લીમીટેડ (એનએસડીએલ) તથા સેન્ટ્રલ ડીપોઝીટરી સર્વિસ (સીડીએસએલ)ના આંકડાકીય રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં 22 લાખ નવા ડીમેટ ખાતા ખુલ્યા હતા અને તે સાથે અત્યાર સુધીનાં કુલ ડીમેટ ખાતાની સંખ્યા 100.5 મીલીયન થઇ છે. ભારતમાં કોરોના ત્રાટક્યો તે પૂર્વે માર્ચ-2020માં ડીમેટ ખાતાઓની સંખ્યા માત્ર 40.9 મીલીયન હતી.
- Advertisement -
શેરબજારના જાણકારોના કહેવા પ્રમાણે કોરોના કાળ વખતના લોકડાઉન, વર્ક ફ્રોમ હોમ કલ્ચર, ખાતા ખોલવામાં સરળીકરણ, બ્રોકરેજ રેટમાં ઘટાડો તથા છેલ્લા બે વર્ષમાં નવા આઈપીઓમાં તગડા રિટર્ન જેવા કારણોથી ઇન્વેસ્ટરોનો શેરબજાર તરફ મોહ વધ્યો છે. સીડીએસએલના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઈઓ નેહલ વોરાના કહેવા પ્રમાણે 10 કરોડ ડીમેટ ખાતા એક સિમાચિન્હ રુપ છે અને એ બાબતની સાબિતી છે કે ઘરગથ્થુ બચતને બદલે લોકો શેરબજારને એક રોકાણના વિકલ્પ તરીકે માનવા લાગ્યા છે.