રેલવે ટ્રેક પર અકસ્માત-આત્મહત્યાના કેસમાં 8 વર્ષમાં 7654 લોકોનાં મોત
ગુજરાતમાં વર્ષ 2021માં 579 વ્યક્તિએ જીવ ગુમાવ્યા
- Advertisement -
ગુજરાતમાં રેલવેની મુસાફરી દરમિયાન અચાનક પડી જવાના કારણે, પાટા ઓળંગતી વખતે અકસ્માત અને પાટા પર ઊભા રહી આત્મહત્યા કરવા જેવા બનાવમાં છેલ્લાં આઠ વર્ષમાં 7,654 લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્ષ 2014થી 2021ના આ આંકડા છે, વર્ષ 2015માં સૌથી વધુ 1,287 મોતની ઘટના બની છે, છેલ્લે વર્ષ 2021માં 579 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના અંગેના રિપોર્ટ વિધિવત્ રીતે રેલ્વેમાં થયા છે.
અલબત્ત, છેલ્લા કેટલાક વર્ષમાં ગુજરાતમાં ધીમે ધીમે રેલવેમાં થતાં આવા અકસ્માતની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
રેલવે પર માનવ મૃત્યુની ઘટના ઓછી થાય તે માટે છેલ્લા કેટલાક સમયમાં પગલાં ભરાયા છે, રેલવે સ્ટેશનો પર મુસાફરોને પાટા પરથી જવાના બદલે બ્રિજનો ઉપયોગ કરવા સૂચના અપાય છે, મુસાફરી દરમિયાન ચાલુ ટ્રેનમાં ચડી જવા કે ઉતરવા વિરુદ્ધમાં જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, એટલું જ નહિ પરંતુ આવા કિસ્સામાં જે તે મુસાફર સામે કેસ દાખલ કરવામાં આવે છે. મુસાફરોને એલર્ટ કરવા માટે વિવિધ સ્થળોએ ચેતવણી આપતાં બોર્ડ લગાવાયા છે.