કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ બુધવારથી શિક્ષણકાર્ય શરૂ થશે
શાળાઓમાં 21 દિવસના દિવાળી વેકેશન બાદ ખાનગી શાળાઓમાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 10મીથી એટલે કે ગુરુવારથી શરૂ થશે. આ ઉપરાંત કોલેજો અને યુનિવર્સિટી પણ હવે 9મીથી દિવાળી વેકેશનની રજાઓ બાદ ફરી ધમધમશે. શાળા-કોલેજોમાં દિવાળી વેકેશન બાદ શરૂ થનારા નવા સત્રને લઈને વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહિત છે. રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓમાં 7 નવેમ્બરને સોમવારથી નવું સત્ર શરૂ થઇ જશે. દરેક શાળાઓએ વાલીઓને સોમવારથી નવું સત્ર શરૂ થવાના મેસેજ પણ મોકલી દીધા છે.
- Advertisement -
શાળાઓમાં દિવાળી વેકેશન પહેલા સત્રાંત પરીક્ષા લેવામાં આવી હતી અને પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત જ 21 દિવસનું વેકેશન જાહેર કરી દેવાયું હતું. શાળાઓમાં 10 નવેમ્બર અને કોલેજો અને યુનિવર્સિટીઓમાં 9 નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે. યુનિવર્સિટીના ભવનોમાં 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયું હતું. યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગના કર્મચારીઓ માટે 22થી 30 ઓક્ટોબર સુધી રજા જાહેર કરી હતી. 10મી ઓક્ટોબરથી રાજ્યભરની શાળાઓમાં સત્રાંત પરીક્ષા લેવામાં આવી હતી.
સત્રાંત પરીક્ષા 18મી ઓક્ટોબરે પૂર્ણ થયા બાદ 20મીએ શાળાઓમાં દિવાળી વેકેશન પડી ગયું હતું. રાજકોટ સહિત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ 10મી નવેમ્બરથી ખૂલશે. શાળા સંચાલકોએ પણ વિદ્યાર્થીઓના નવા સત્રને લઈને તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ 10 નવેમ્બરથી બીજું સત્ર શરૂ થશે. જે 30 એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ બીજા સત્રની પરીક્ષાઓ લેવાશે અને ત્યારબાદ 1મેથી 35 દિવસનું ઉનાળું વેકેશન શાળાઓમાં રહેશે. આ ઉનાળુ વેકેશન 4 જૂને ખુલશે અને 5મી જૂનથી નવું સત્ર શરૂ થશે.