પરિક્રમા રૂટ પર હકડેઠઠ ભાવિકોની મેદની જામી
વહીવટી તંત્ર – અન્નક્ષેત્રો – સેવાભાવી સંસ્થા ખડેપગે: અનેક લોકોએ પરિક્રમા પૂર્ણ પણ કરી લીધી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનાર લીલી પરિક્રમા પરંપરા પેહલા એક દિવસ અગાઉ શ્રદ્ધાળુ ઉમટી પડતા ગઈકાલ સવારથી પરિક્રમાનો ગેટ ખોલી દેવામાં આવતા 2 લાખથી વધુ ભાવિકો ઉમટી પડયા હતા જયારે આજ રાત્રે વિધિવત પરિક્રમા શરુ થશે ત્યારે વધુ બે લાખ ભાવિકો ઉમટી પાડવાની સંભાવના છે.
હાલ પરિક્રમા રૂટ પર 2 લાખ ભાવિકો ભજન ભોજન અને ભક્તિના માહોલ વચ્ચે જય ગીરનારી નાદ સાથે ગીરનાર ગુંજી ઉઠયો છે. એક દિવસ અગાઉ પરિક્રમા શરુ થઇ જતા અન્નક્ષેત્ર ધમધમી ઉઠયા છે અને સેવાભાવી સંસ્થાના સ્વયંસેવકો ખડેપગે શ્રદ્ધાળુની સેવા કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.
એક સાથે લાખો લોકો ઉમટી પડતા વહીવટી તંત્રના જુદા જુદા વિભાગો પણ પરિક્રમા રૂટ પર ફરજ પર કામે લાગી ગયા છે જેમાં આરોગ્ય ક્ષેત્ર, વન વિભાગ પોલીસ તંત્ર સાથે મહા નગર પાલિકા કર્મી દ્વારા કામગીરી પુરજોશમાં શરુ કરી દેવામાં આવી છે તેની સાથે ભાવિકોનો પ્રવાહ સતત ભવનાથ તળેટી તરફ જોવા મળી રહ્યો છે.
પરિક્રમામાં પરિવાર સાથે વૃદ્ધ, બાળકો યુવાનો ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે ત્યારે ઇટવા ગેટ થી શરુ થતી પરિક્રમા રૂટ પર માહોલ જામ્યો છે.
જેમાં છેલ્લો પડાવ બોરદેવી જગ્યાએ પણ અનેક યાત્રિકો 36 કિમિ પગપાળા ચાલી પરિક્રમા પૂર્ણ પણ કરી લીધી છે આમ બે દિવસમાં 4 લાખ લોકો ઉમટી પડયા છે હજુ ભાવિકોનો પ્રવાહ વધશે ત્યારે ઉતારા મંડળ અને અન્નક્ષેત્રોમાં અલગ અલગ વાનગી સાથે ચા નાસ્તો અને ભોજન કરાવી ભાવિકોને હરી હર નાદ સાથે સેવા કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી ભાવિકોનો પ્રવાહ જૂનાગઢ તરફ
જૂનાગઢમાં યોજાતી આદિ અનાદિ કાળથી ગીરનારની લીલી પરિક્રમામાં દિવસે દિવસે ભાવિકોનો ઘસારો વધતો જાય છે અને સૌરાષ્ટ્ર નહિ પણ દૂર દૂર થી અન્ય રાજ્યોના લોકો પણ પરિક્રમા કરવા ઉમટી પડે છે ત્યારે હાલ રાજ્ય ભર સહીત સૌરાષ્ટ્ર ભરના જિલ્લા માંથી ભાવિકો ટ્રેન, બસ પોતાના ખાનગી વાહનો અને ટ્રાવેલ્સ દ્વારા જૂનાગઢ તરફ પ્રયાણ કર્યું છે જેના લીધે શહેરના આસપાસના રોડ પર ટ્રાફિક જોવા મળી રહ્યો છે અને શહેરના ભવનાથ તરફ જવાના રસ્તે ટ્રાફિક જામ સાથે વાહન પાર્કિંગ જગ્યા ખૂટી પડી છે લાખો ભાવિકો આવી જતા પોલીસ તંત્ર દ્વારા પણ એક દિવસ અગાઉ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.