આડા સંબંધો અંગેની શંકા બાદ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો: થોરાળા પોલીસે ગુનો નોંધી એક શખસની ધરપકડ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરની આજી નદીના કાંઠેથી મોડી રાતે બે દિવસ પહેલાં ગુમ થયેલ 21 વર્ષીય યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી થોરાળા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી યુવકને મોતને ઘાટ ઉતારનાર એક શખ્સને દબોચી લઈ નાસી છૂટેલા એકની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના નવા થોરાળામાં ગોકુલપરા પાછળ રહેતો નીતિન ઉર્ફે નિખિલ પરસોતમભાઈ સોલંકી ઉ.21 ગઈ તારીખ 20ના રાત્રે ઘરે જમીને બજારમાં ગયો હતો મોડી રાત સુધી નહીં આવતા સવારે પરિવારજનોએ ફોન કરતાં ફોન રિસીવ થયો ન હતો અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો બાદમાં પિતા પરસોતમભાઈ થોરાળા પોલીસ મથકે પહોંચ્યા હતાં અને પુત્ર ગુમ થયાની નોંધ કરાવી હતી દરમિયાન પાડોસીએ યુવાનના પરિવારજનોને જણાવ્યું હતું કે, ગઈ તા.20ના નીતિન બે યુવકો સાથે ઝઘડો કરતો હતો અને બાદમાં તેઓ ત્રણેય ઝઘડો કરતાં કરતાં આજી નદી તરફ ગયાં હતા તેવું જણાવતા પરિવારજનોએ આજી નદીના કાંઠે તપાસ હાથ ધરતાં નવા થોરાળામાં ગૌશાળા સામે આજી નદીના કાંઠેથી એક લાશ મળી આવી હતી.
- Advertisement -
જે લાશ પુત્રની જ હોવાનું પરીવારજનોએ ઓળખી બતાવ્યું હતું બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીઆઈ એન.જી.વાઘેલા, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો કોહવાયેલ લાશને ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બનાવ અંગે મૃતકના ભાઈ ધીરૂભાઇ ઉર્ફે કિશન પરસોતમભાઈ સોલંકીએ કરણ હેમંત રાઠોડ અને મનોજ પ્રવિણ મકવાણા સામે હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કરણ રાઠોડની ધરપકડ કરી મનોજ મકવાણાની શોધખોળ હાથ ધરી છે મૃતક નીતિનને આરોપી મનોજ અને કરણ સાથે ગઈ તા.20 ની રાતે ઝઘડો થયાં બાદ ત્રણેય આજી નદીના કાંઠે ગયાં હતાં અને મનોજ અને કરણે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી મૃતકને પત્ની સાથે છૂટાછેડા થયાં બાદ તેમની સાથે આરોપી મનોજને સબંધ હોય જે મામલે અવારનવાર ઝઘડો થતો હતો. જે હત્યા સુધી પહોંચ્યાંનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.