ધારાસભ્યના સ્વખર્ચે રિંપેરીંગથી બાંટવા ખારા ડેમની કેનાલ મજબૂત..સિંચાઈ માટે તાત્કાલીક પાણી છોડાવવાની કરી ભલામણ
ખાસ-ખબર ન્યૂઝ બાંટવા
- Advertisement -
બાંટવાના ખારા ડેમની કેનાલ, જે ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ઘોડાપુરને કારણે તુટી ગઈ હતી, હવે ફરીથી કાર્યક્ષમ બની છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ તુરંત કાર્યવાહી કરી, અને કેનાલનું સ્વખર્ચે સમારકામ કરાવ્યું છે. ખેડૂતોએ રજુઆત કરતાં, ધારાસભ્યએ વિલંબ કર્યા વિના કેનાલનું સમારકામ શરૂ કરાવ્યું હતું. જેના કારણે ખારા ડેમમાંથી પાણી છોડાતા પહેલા કેનાલ મજબૂત બની છે, અને હવે જમીન ધોવાણ તથા પાણીના વેડફાટથી બચી શકાશે. બાંટવા ખાતે આવેલા ખારા ડેમના પાણીનો ફાયદો ગઢવાણા, રૈવદ્રા, ઘરસન, તરખાઈ, મૈયારી અને કાંસાબડ જેવા ગામોના ખેડૂતોને થાય છે. ઘેડ વિસ્તારમાં ચણાના પાક તેમજ અન્ય પાક માટે સિંચાઈના પાણીની તાત્કાલિક જરૂરિયાત હોય છે. ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ આ બાબતે સિંચાઈ મંત્રીને પત્ર લખી, બાંટવા ખારા ડેમમાંથી તાત્કાલિક પાણી છોડાવા ભલામણ કરી છે. ખેડૂતોમાં આ રીપેરીંગ અને ધારાસભ્યના પ્રયાસો અંગે સંતુષ્ટિ છે, અને હવે સિંચાઈ માટે પૂરતુ પાણી મળી રહે તેવી આશા છે.