ગુજરાતમાં વરસાદને લઇ આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે આજે રાજ્યના 19 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે.
ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. ક્યાંક ક્યાંક હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ભારે વરસાદે જાણે કે વિરામ લીધો છે. આવા સંજોગોની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાંથી હજુ ચોમાસાએ વિદાય લીધી નથી. હજુ વિવિધ વિસ્તારોમાં 4 દિવસ મેઘરાજા રમઝટ બોલાવશે.
- Advertisement -
આ વિસ્તારોમાં પડી શકે છે મધ્યમથી હળવો વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ અગલ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે.
આજે 19 તાલુકાઓમાં વરસાદની આગાહી
આજે રાજ્યના 19 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટરે કરી આગાહી
ગઈકાલે એટલે કે સોમવારે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ગુજરાતમાં પાંચ દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. જ્યારે સુરત, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છમાં છુટોછવાયો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવો વરસાદ રહેશે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી.