અનિવાર્ય કારણ હોવાનું બહાનું આપી બે દિવસ દરમિયાન યોજાનારી તમામ મિટીંગ કેન્સલ
મિટીંગમાં કોલેજોના ચાલુ અને નવા કોર્સના જોડાણની મંજૂરી સહિતના મુદ્દે ચર્ચા થવાની હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તા. 3 અને 4 આ બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ, એસ્ટેટ શાખા, બીયુટી, ફાઈનાન્સ કમિટીની બેઠક યોજાવાની છે તે તમામ અનિવાર્ય કારણોસર રદ કરી દેવામાં આવી છે. એકેડેમિક કાઉન્સિલના સભ્યોને રાત્રે 2 વાગ્યે ઈ-મેલ મળ્યા કે મિટિંગ મોકૂફ રાખવામાં આવી છે અને હવે સંભવત 14મીએ યોજવા વિચારણા ચાલી રહી છે. આ મિટિંગમાં જુદી જુદી 39 જેટલી કોલેજોના ચાલુ અને નવા કોર્સના જોડાણની મંજૂરી આપવા સહિતના મુદ્દે ચર્ચા થવાની હતી.
એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં રાજકોટ ઉપરાંત વાંકાનેર, સુરેન્દ્રનગર, જામનગર સહિતની કોલેજોમાં બીએસસીના નવા જોડાણ માટે મંજૂરી આપવા ચર્ચા થવાની હતી. આ ઉપરાંત 39 જેટલી કોલેજોમાં જૂના-નવા કોર્સના જોડાણ અંગે વિચારણા બાદ મંજૂરી મળવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ આ મિટિંગ રદ કરી દેવામાં આવી છે અને કમિટીના સભ્યોને પણ અડધી રાત્રે ઈ-મેલ કરીને બેઠક રદ કર્યાની જાણ કરવામાં આવી હતી.