સિંગ-દાળિયા વેચતા શિવભક્ત: રાત્રે 12 વાગ્યા સુધી સિંગ-દાળિયાનો વેપાર, ગ્રાહકોની ગેરહાજરીમાં મંત્રલેખન
મંત્રની શક્તિથી અટકેલા કામો પણ પૂરા થઈ જાય છે તેવો તેમને વિશ્વાસ છે :જીતેન્દ્રભાઈ
- Advertisement -
દર અઠવાડિયે એક બુક પૂરી કરી નાખે છે આ શિવભક્ત : સવારે એક કલાક મંત્રજાપ, ઇશ્ર્વર પાસે માગે છે માત્ર સારું સ્વાસ્થ્ય
રાજકોટમાં રેસકોર્સ પાર્ક પાસે અને ગેલેક્સી સિનેમાની સામે સાંજના 6 વાગ્યા પછી એક અનોખો દ્રશ્ય જોવા મળે છે, જ્યાં જીતેન્દ્રભાઈ પંડ્યા નામના એક શિવભક્ત સિંગ અને દાળિયા વેચવાની સાથે સાથે અવિરતપણે ’ૐ’ ઓમકાર મંત્રનું લેખન કરે છે. જીતેન્દ્રભાઈ દરરોજ 2,500થી વધુ ઓમકાર મંત્ર લખે છે. તેઓ કહે છે કે આ કામ કરવાથી તેમને ખૂબ શાંતિ મળે છે અને ભગવાન શિવની કૃપાથી તેમના બધા અટકેલા કામ પણ પૂરા થઈ જાય છે. સવારે તેઓ ઘર નજીકના મંદિરમાં જઈને એક કલાક મંત્ર જાપ કરે છે, અને બપોર પછી તેઓ સાંજે 6 થી રાતના 12 વાગ્યા સુધી રેસકોર્સની પાળીએ બેસીને પોતાનો વ્યવસાય ચલાવે છે.
ગ્રાહકો આવે ત્યારે તેઓ લખવાનું બંધ કરી દે છે અને જ્યારે ગ્રાહકો ન હોય ત્યારે તેઓ ફરીથી ઓમકાર મંત્ર લખવામાં લીન થઈ જાય છે. જીતેન્દ્રભાઈને એક ભાઈ નિયમિતપણે બુક્સ પૂરી પાડે છે અને આ પ્રવૃત્તિમાં તેમને પ્રોત્સાહન આપે છે. તેમની જીવનશૈલી શ્રમ અને શિવભક્તિનો અનોખો સંગમ દર્શાવે છે અને લોકોને શાંતિની સાચી વ્યાખ્યા શીખવે છે. આ પવિત્ર કાર્ય બદલ રાજકોટના લોકોમાં તેમનો આદર વધ્યો છે.