નવ દિવસની રજા બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થશે
ઘઉં, ચણા, ધાણા, જીરૂ, મરચા સહિતના ઉનાળુ પાકથી યાર્ડ છલકાશે: વાહનોના પ્રવેશ માટે ટોકન ફરજિયાત: રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાનાં 180 ગામોના ખેડૂતો ઉમટશે
રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડમાં વેપારીઓ અને કમિશન એજન્ટોની માંગણીના અનુસંધાને માર્ચ એન્ડિંગના હિસાબી કામકાજસર રખાયેલું નવ દિવસીય મિનિ વેકેશન પૂર્ણ થતાં કાલે તા.1લી એપ્રિલને શુક્રવારથી આવકો શરૂ કરાશે તેમજ તા.2 એપ્રિલને શનિવારે સવારે નવા નાણાંકીય વર્ષની પ્રથમ હરરાજી કરાશે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરા અને સેક્રેટરી બી.આર.તેજાણીએ જણાવ્યું હતું કે તમામ જણસીની આવક આવતીકાલે તા.1-4-2022 ને શુક્રવારથી શરૂ કરાશે જેમાં મુખ્ય જણસી ધાણા, ચણા, મગફળી, ઘઉંની આવકને સવારના 8 કલાકથી બપોરનાં 12 કલાક સુધી પ્રવેશ અપાશે. ઉપરોક્ત ચાર જણસી સાથે અન્ય જણસીઓ પણ ભરેલી હશે તો તેને પ્રવેશ અપાશે નહીં. જ્યારે અન્ય તમામ જણસીઓની આવકને રાત્રે 8 થી સવારના 6 કલાક સુધી પ્રવેશ અપાશે. ઉપરોક્ત તમામ જણસીની આવક દાગીનામાં હશે તે દાગીનામાં અને પાલમાં હશે તે પાલમાં જ ઉતારવાની રહેશે.
- Advertisement -
જો દાગીનામાંથી પાલ કરતા મજુરો કે વાહનમાલિકો પકડાશે તો યાર્ડ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ જણસીઓમાં જગ્યા હશે ત્યાં સુધી જ પ્રવેશ અપાશે. જ્યારે માલની ઉતરાઇ કરવામાં આવે ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે ગવરીદડ સાઇડ હાઇવે ઉપર ઉભા રહેલા વાહનને યાર્ડ દ્વારા ક્રમશ: ટોકન આપવામાં આવશે, જે વાહન પાસે યાર્ડ દ્વારા અપાયેલ ટોકન હશે તે વાહનને જ યાર્ડની અંદર પ્રવેશ અપાશે. આવકના સમય દરમ્યાન વાહન માલિકો-ડ્રાઇવરોએ તેમના વાહન પાસે ફરજિયાત હાજર રહેવાનું રહેશે અને હાજર હશે તો જ તેમને ટોકન અપાશે.
આ પણ વાંચો:
https://khaskhabarrajkot.com/2022/03/31/rajkot-742-days-after-coronas-release-not-a-single-active-case/