મનપા તંત્ર હજુ નહીં જાગે તો આવનાર દિવસો જૂનાગઢને ડૂબાડશે
20 ફૂટ પહોળા વોંકળા હવે માત્ર 5થી 7 ફૂટ પહોળા રહ્યાં
શુક્રવારે શહેરમાં અઢી ઇંચ વરસાદમાં અનેક રસ્તા બંધ થયા!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શુક્રવારે જૂનાગઢમાં એક સાથે અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરનાં ઝાંઝરડા રોડ અને દોલતપરા રોડ ઉપર પાણી ભરાયા હતાં. તેમજ શહેરનાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતાં. શહેરમાં વરસાદી પાણી ભરાવાનું પ્રથમ કારણ વોંકળા પરનું દબાણ છે.મહાનગર પાલીક હજુ નહી જાગે તો આવનારા દિવસો જૂનાગઢને ડુબાડશે.
જૂનાગઢ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની રહી છે. શહેરમાં સામાન્ય વરસાદ થતા ઠેરઠેર પાણી ભરાઇ જાય છે. તેનું કારણે છે વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા વધી રહી છે. શહેરમાં અનેક વિસ્તારનાં નાના મોટા વોંકળા હતાં. આ વોંકળાનાં કારણે વરસાદનું પાણી આરામથી નિકળી જતું હતું. પરંતુ હાલ શહેરમાં વોંકળા ઉપર થયેલા દબાણનાં કારણે વરસાદી પાણીનો નિકાલ થઇ શકતો નથી. પરિણામે શહેરમાં પાણી ભરાઇ રહ્યું છે.જૂનાગઢનાં જીઆઇડીસીની વાત કરીએ તો દોલતપરાનાં ગેઇટથી આગળ પેટ્રોલ પંપ સામે વોંકળો હતો. હવે તે નાનો પડવા લાગ્યો છે. પરિણામે વરસાદનું પાણી રસ્તા પર વહેવા લાગે છે. જોષીપર અંડરબ્રિજ પાસે પાણીનાં નિકાલી જગ્યા હતા,તે પણ નાની થઇ ગઇ છે. વૈભવ ફાટક પાસે ગટર ઉપર બાંધકામ થયા છે. ટીંબાવાડી પાસે વોંકળા ઉપર બાંધકામ થયા છે. નરસિંહ મહેતા તળાવનાં પાણીનાં કાઢીયા સામે વોંકળા ઉપર બાંધકામ થયા છે. તેમજ ઝાંઝરડા રોડ ઉપર વોંકળા ઉપર ઠેરઠેર બાંધકામ થયા છે. આવી તો અનેક જગ્યા છે કે જ્યાં વોંકળા અને ગટર ઉપર બાંધકામ થઇ ગયા છે. જૂનાગઢમાં 20 ફૂટ પહોળા વોંકળા હવે માત્ર 5 થી 7 ફૂટનાં જોવા મળે છે.શહેરમાં વોંકળા ઉપરનું દબાણ વરસાદનાં પાણીનાં નિકાલમાં બાધારૂપ બની રહ્યું છે. મહાનગર પાલીકા જાગે તો હજું સમય છે. હાલ જે હયાત વોંકળાની જગ્યા છે તેને બચાવી શકાય તેમ છે. પરંતુ શહેરમાં હજુ અવીરત પણે વોંકળા ઉપર દબાણ થઇ રહ્યાં છે. શહેરમાં થતા વોંકળા ઉપરનાં દબાણ અટકાવવામાં નહી આવે તો આગામી સમયમાં જૂનાગઢ શહેર બેટમાં ફેરવાશે.
ઝાંઝરડા ગરનાળાનાં પાણીનો નિકાલની સમસ્યા
શુક્રવારે ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાઇ ગયું હતું. અનેક વાહન ફસાઇ ગયા હતાં. ઝાંઝરડા રોડ બંધ થઇ ગયો હતો. અહીંથી ચોબારી રોડ તરફ પાણીનાં નિકાલની જુની વ્યવસ્થા હતી. પરંતુ બાંધકામને કારણે અહીં જગ્યા નાની પડવા લાગી છે. જેના કારણે ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાવા લાગ્યું છે.
- Advertisement -
જૂનાંને ભૂલો, નવા બાંધકામ તો અટકાવો
જૂનાગઢમાં વોંકળા ઉપર અનેક બાંધકામ થઇ ગયા છે. હવે આ બાંધકામ દુર કરવાની તેવડ મનપાનાં અધિકારીઓમાં નથી કે શાસકોને તેમા રસ પણ નથી. પરંતુ હવે જે વોંકળા ઉપર બાંધકામ થઇ રહ્યાં છે. તેને તો રોકી શકાય તેમ છે. હવે પછી જૂનાગઢમાં જેટલા વોંકળા કે નાળા બચાવી શકાય તેવા પ્રયાસ તો મનપાએ કરવો જોઇએ.