જરૂર વગર લોકોની એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી કરી, અન્ય આરોપી ડો. સંજય પટોળિયાની રાજકોટ-સુરતમાં પણ હોસ્પિટલ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર, સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ જે ડોક્ટર સંજય પટોળિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે ડો. સંજય પટોળિયાની રાજકોટમાં અને સુરતમાં આવેલી હોસ્પિટલો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિકાંડ જે હોસ્પિટલમાં સર્જાયો છે તેની શરૂઆત કરનાર જ ડો. સંજય પટોળિયા છે.
ખ્યાતિકાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર અમદાવાદ સોલા સિવિલના ઈઉખઘ ડો. પ્રકાશ મહેતા જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન નથી. જે બાબતે અમારા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.
ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ 2 દર્દીઓનાં મોત થયાં હતાં. જે મામલે તપાસ બાદ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા સોલા સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સીડીએમઓ ડો. પ્રકાશ મહેતાએ ડો. પ્રશાંત વઝીરાણી, ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પટોળિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત (ઈઊઘ) સામે ફરિયાદ નોંધાવી છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલીસણા ગામના 19 લોકોને અમદાવાદ લાવી ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડો. પ્રશાંત વઝીરાણી સામે ગુનો નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી લીધી છે.
‘ખ્યાતિ હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન જ નથી’
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ઈઉખઘ ડો. પ્રકાશ મહેતાએ જણાવ્યું હતું કે, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કડીના બાલીસણા ગામના દર્દીઓને જરુર ન હોવા છતા તપાસ કરવી, બિનજરુરી સારવાર કરવી, જીવનો જોખમમાં મૂકવો, મૃત્યુ નિપજાવવું, યોગ્ય સંમતિપત્રક પર સહી ન લેવી અને બેદરકારી દર્શાવી હોવાના મુદ્દાઓને આધારે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે, હોસ્પિટલ પાસે ગુજરાત નર્સિંગ હોમ એક્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશનમાંથી મંજૂરી મળેલી છે. પરંતુ, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તે કરાવેલું નથી એટલે અમે હોસ્પિટલને નોટિસ આપીછે કે તમે શા માટે રજિસ્ટ્રેશન કરાવેલું નથી. નોંધનીય છે કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ કે જેમાં મંડલ અંધાપાકાંડ પછી સુધારો કરવામાં આવ્યો હતો તેની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મંજૂરી લેવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
ખ્યાતિકાંડના પડઘા રાજકોટની હોસ્પિટલમાં પણ પડ્યા
ન્યુ લાઈફ હોસ્પિટલમાં આજે થવાની હતી તે 6 સર્જરી રદ્દ કરવામાં આવી
હાજર તબીબે કહ્યું- ડૉ. સંજય પટોળિયાનો બે દિવસ પહેલા સંપર્ક થયો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના તાર રાજકોટ સુધી લંબાયા છે. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોલીયા રાજકોટમાં હોસ્પિટલ ધરાવે છે. રાજકોટના વિદ્યનગર રોડ પર મનહર પ્લોટ શેરી નંબર 5 માં ન્યુ લાઈફ હોસ્પિટલ ધરાવે છે અને તેઓ દ્વારા આજે 6 સર્જરી પ્લાન કરી હતી જો કે આ સર્જરી રદ કરવા માટે ગઈકાલે સાંજે હોસ્પિટલના સ્ટાફને સૂચના આપી દીધી હતી. ત્યારે હવે આ તપાસના છેડા રાજકોટની ન્યુ લાઈફ હોસ્પિટલ સુધી લંબાઈ શકે તેમ છે. જો કે હાલ ડોક્ટર સંજય પટોલિયા ક્યાં છે કોઈને ખબર નથી માટે પોલીસ દ્વારા તેમની હોસ્પિટલ ખાતે પણ તપાસ કરવામાં આવી શકે છે.
અમદાવાની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સંડોવાયેલ ડોક્ટર સંજય પટોલીયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવી રહ્યા છે. રાજકોટના વિદ્યાનગર રોડ પર મનહર પ્લોટ શેરી નંબર 5ના ખૂણે બીજા માળે ન્યુ લાઈફ હોસ્પિટલ ધરાવી રહ્યા છે. જો કે બે દિવસથી તેઓ રાજકોટની હોસ્પિટલ ખાતે આવ્યા નથી. આજે દિવ્યભાસ્કરની ટિમ રાજકોટમાં આવેલ તેમની ન્યુ લાઈફ હોસ્પિટલ પહોંચી હતી જ્યાં તેમના જુનિયર ડોક્ટર તેમજ મેડિકલ ઓફિસર સ્ટાફ ઉપસ્થિત હતા.
જેમાં ડોક્ટર દર્શિતએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સંજય પટોલીયા અહીંયાના મુખ્ય સર્જન છે તેમના દ્વારા દર ગુરુવારે અહીંયા હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવતી હોય છે. આજે અહીંયા કુલ 6 દર્દીની પ્લાન સર્જરી હતી પરંતુ ગઈકાલે સાંજે ડોક્ટર સંજય તરફથી આ સર્જરી પોસપોન્ડ કરવા સૂચના આપવામાં આવતા તમામ દર્દીને જાણ કરી આ સર્જરી પોસપોન્ડ કરવામાં આવી છે. હાલમાં આજે રૂટિન ઓપીડી ચાલુ છે કોઈ ઓપરેશન કરવામાં આવશે નહિ. ડોક્ટર સંજય ક્યાં છે એ બાબતે અમને કશું ખબર નથી બે દિવસ પહેલા વાત થયેલ હતી આ પછી કોઈ સંપર્ક થઇ શક્યો નથી. અહીંયા હોસ્પિટલમાં કાર્ડ મારફત કોઈ યોજનામાં સર્જરી કરવામાં આવતી નથી. હજુ સુધી પોલીસ કે અન્ય કોઈ સરકારી અધિકારીઓ તપાસ અંગે રાજકોટ હોસ્પિટલ ખાતે આવ્યા નથી.