રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં માધવપુરનાં મેળાનો પ્રારંભ
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કર્યું. વર્ષ 2018થી દર વર્ષે સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના પવિત્ર વિવાહના અવસર પર આ મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ રામનવમીના તહેવારની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના આદર્શો પર આધુનિક ભારતમાં રામરાજ્યની સ્થાપનાની આશા રાખી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું કે, શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલા ગામમાં અને બાપુના જન્મસ્થળ એવા પોરબંદર નજીક આયોજિત માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કરવું એ તેમના માટે સૌભાગ્યની વાત છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે, શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નની લોકકથા દર્શાવે છે કે ભારતની સાંસ્કૃતિક એકતા કેટલી પ્રાચીન છે અને આપણી સામાજિક સમરસતાના મૂળિયાં કેટલાં ઊંડાં છે.
આજના ઉત્તરપ્રદેશમાં જન્મેલા શ્રીકૃષ્ણએ ગુજરાતને તેમની કર્મભૂમિ બનાવી અને આપણા દેશના આજના ઉત્તર-પૂર્વ પ્રદેશની રાજકુમારી રૂક્ષ્મણીજી સાથે લગ્નકર્યા. લોકમાન્યતા પ્રમાણે માધવપુર ઘેડ ગામની જમીન તેમના મિલનની સાક્ષી રહી છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે, મેળા, તહેવારો અને તીર્થસ્થળોએ આપણા વિશાળ દેશને પ્રાચીન સમયથી સામાજિક અને સાંસ્કૃતિક એકતાની દોરીથી બાંધી રાખ્યો છે. માધવપુર મેળો ગુજરાતને દેશના ઉત્તરપૂર્વ વિસ્તાર સાથે એક અભિન્ન બંધનમાં જોડે છે.
- Advertisement -
આવા કાર્યક્રમો દ્વારા લોકોને અને ખાસ કરીને યુવા પેઢીને આપણા વારસા, સંસ્કૃતિ, કલા, હસ્તકલા અને પરંપરાગત ભોજન વિશે જ્ઞાન મેળવવાની તક મળે છે. આવા કાર્યક્રમો પ્રવાસનને પણ પ્રોત્સાહન આપે છે. આ વર્ષે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલયે પણ મોટા પાયે મેળાનું આયોજન કર્યું છે, આ જ દિવસે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ઘણા સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેમણે આશા વ્યક્ત કરી કે આ મેળો આપણી સાંસ્કૃતિક પરંપરાનો વિશેષ ઓળખ આપશે. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, માધવ નામ શ્રીકૃષ્ણનું છે. માધવે લગ્ન માધવપુર ઘેડમાં કર્યા હતા. લગ્ન સંબંધથી પારિવારિક સંબંધ બને છે. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં કાર્યક્ષેત્ર દ્વારકા, પૂર્વોત્તર રાજયમાં લગ્ન કર્યા આમ પરંપરાગત અને સંસ્કૃતિક વિરાસત થકી શ્રીકૃષ્ણએ ગરીમા અને એકતાની શીખ આપી હતી. સામાજિક -સાંસ્કૃતિક સમન્વય સાધ્યો હતો. ગુજરાતે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, મહર્ષિ દયાનંદ સરસ્વતિ સહિતના અનેક વિરપુરૂષો આપ્યા છે. માધપુર ગામે શ્રીકૃષ્ણના વિવાહને હજારો વર્ષ પછી પણ જીવંત રાખ્યા છે. સરકારે આ મેળાને આંતરરાષ્ટ્રીય બનાવી ગુજરાતને ગૌરવશાળી બનાવ્યું છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રસપૂર્વક નિહાળ્યો હતો.