જિલ્લામાં સૌથી વધુ 150% વરસાદ ધોરાજીમાં, જ્યારે જામકંડોરણામાં 145% વરસાદ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ છેલ્લા દોઢ માસથી ભરપુર વરસાદ વરસી રહ્યો છે. જો કે, રાજકોટ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ રાજકોટ શહેરમાં વરસ્યો છે. સામાન્ય રીતે જસદણ-વિંછીયા જેવા તાલુકામાં વરસાદની ખાદ્ય રહેતી હોય છે. તેના બદલે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ શહેરમાં છે.
હવામાન ખાતાનાં રિપોર્ટ મુજબ રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 150% વરસાદ ધોરાજી તાલુકામાં નોંધાયો છે. જ્યારે જામકંડોરણામાં 145% વરસાદ સામે રાજકોટ શહેરમાં માત્ર 43% વરસાદ નોંધાયો છે.
- Advertisement -
ચોમાસાની આખી સિઝનમાં ધોરાજીમાં સરેરાશ 750 મીમી પાણી વરસતુ હોય છે, તેના બદલે આજે સવારની સ્થિતિએ જ 1123 મીમી વરસાદ નોંધાઈ ચુકયો હતો. જે આખી સિઝનનાં નોર્મલ વરસાદ કરતા 149.89 % છે. જામકંડોરણામાં પણ સિઝનનો 145.86% વરસાદ થઈ ગયો છે. સિઝનમાં સરેરાશ 684 મીમી સામે આજે સવારની સ્થિતિએ 997 મીમી પાણી વરસી ગયુ હતું.
ઉપરાંત જેતપુરમાં પણ 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુકયો છે. જેતપુરમાં ચોમાસામાં સરેરાશ 732 મીમી પાણી વરસતુ હોય છે, તેની સરખામણીએ 783 મીમી વરસાદ નોંધાયો છે, જે 107.03% છે. ઉપલેટામાં સિઝનની સરેરાશ કરતાં 126.80% વરસાદ નોંધાયો છે. ઉપલેટામાં ચોમાસાનાં સિઝનમાં સરેરાશ 791 મીમી વરસાદ થતો હોય છે, તેના બદલામાં અત્યાર સુધીમાં જ 1003 મીમી પાણી વરસી ગયુ છે. આમ જિલ્લાનાં ચાર તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે.
જિલ્લાનાં અન્ય તાલુકાઓમાં ગોંડલમાં 62.34%, જસદણમાં 48.28%, કોટડાસાંગાણીમાં 65.60%, લોધીકામાં 67.24%, પડધરીમાં 46.80%, વિંછીયામાં 42.91% વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી ઓછો 43% વરસાદ રાજકોટ શહેરમાં નોંધાયો છે.
રાજકોટ શહેરમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 822 મીમી પાણી વરસ્તું હોય છે. તેની સરખામણીએ અત્યાર સુધી માત્ર 365 મીમી વરસાદ નોંધાયો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ 43% આસપાસ છે.
- Advertisement -
જો કે, રાજકોટ જિલ્લામાં સિઝનનો સરેરાશ વરસાદ 84.11% નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ 703 મીમી પાણી વરસતુ હોય છે અને અત્યાર સુધીમાં 591 મીમી વરસાદ થઈ ગયો છે. ત્યારે આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં મેઘરાજા મહેર કરે તેવી આશા લોકો રાખી રહ્યા છે.
આજે સવારે શહેરના અનેક વિસ્તારોમાં મેઘમહેર વરસી છે. જો કે, હંમેશની જેમ માત્ર વરસાદી ઝાપટું આવે છે કે મેઘરાજા મનમૂકીને વરસે છે તે આવનારો સમય જ બતાવશે.