કરોડો સનાતનીઓની લાગણીઓને દુભાવતું સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં મારેલા ગપ્પા સચિત્ર વાયરલ થયા
- Advertisement -
સૌજન્ય: રમેશ સવાણી (નિવૃત્ત IPS) (ભાગ-1)
બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે 5 એપ્રિલ 2023ના રોજ, સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 30,000 કિલો વજનની હનુમાનજીની વિશાળ મૂર્તિ ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ થયું હતું. ‘કિંગ ઓફ સાળંગપુર’ મૂર્તિ 54 ફુટ ઉંચી છે. આ મૂર્તિ નીચે ભીંતચિત્રોની પેનલ છે; તેમાં હનુમાનજી સ્વામિનારાયણના સંતને તથા સહજાનંદજીની આગળ હાથ જોડી ઊભા હોય તે રીતે દર્શાવેલ છે; જેથી 30 ઓગસ્ટ 2023થી હિન્દુસમાજ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. અને હનુમાનજીનું અપમાન કરતા ભીંતચિત્રો દૂર કરવા માંગણી કરી છે !
સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય જ જૂઠ, ગપ્પાં, પરચાથી ભરેલું છે ! બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ, લક્ષ્મીજી, પાર્વતીજી વગેરે દેવ-દેવીઓ સહજાનંદજીના ચાકર હોય તે રીતે તેમના સાહિત્યમાં લખ્યું છે. થોડાં ઉદાહરણો : બાળ સહજાનંદજીએબ્રહ્માનો ગર્વ ઊતારીને તેમની પાસે માફી માંગાવી હતી ! બાળચરિત્ર, પેજ-110
પ્રકાશક : શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ-કચ્છ
ખુદ લક્ષ્મીજી બાળ સહજાનંદજીને પગે લાગી કાઠિયાવાડ આવવાનું આમંત્રણ આપેલ ! બાળચરિત્ર, પેજ-51
બ્રહ્મા, વિષ્ણુ, શિવ બાળ ઘનશ્યામ મહારાજને નવડાવતા હતા! બાળચરિત્ર, પેજ-53
ઘનશ્યામ મહારાજની જળક્રિડા જોવા ઈન્દ્ર, બ્રહ્મા , શિવ આવતા હતા અને તેમની સ્તુતિ કરતા હતા ! શ્રીહરિલીલામૃત, પેજ-267
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહજાનંદજીની પ્રસાદી ઝંખતા હતા ! સત્સંગ વિહાર-2, પેજ-23
સહજાનંદજી તો ઇન્દ્ર, ચંદ્ર, વિષ્ણુ, મહેશ વગેરે સર્વે દેવોના સ્વામી છે. તે કોઈથી જીતી શકાય તેવા નથી ! પેજ-10 ‘સહજાનંદ ચરિત્ર’. લેખક: પ્રો. રમેશ પ્રકાશક : સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ, અમદાવાદ
રુદ્ર, ભૈરવ, ભવાની વગેરે જે દેવ-દેવિયું છે તે કોઈ પણ જીવને સુખ-દુ:ખ દેવા સમર્થ નથી. પેજ-31
સહજાનંદજીએ ગઢડામાં પોતાની જ મૂર્તિ સ્થાપી અને ’વાસુદેવ નારાયણ’ નામ આપ્યું અને કહ્યું ’અમારું સ્વરૂપ’ છે ! વાસુદેવ નારાયણ નામ ધારણ કરી અમે અહીં બિરાજશું. આ મૂર્તિમાં હું અખંડ રહ્યો છું. આ મૂર્તિમાં રહીને હું તમારું સર્વ કાંઈ ગ્રહણ કરીશ ! પેજ-32
સહજાનંદજીએ પોતાના ભક્ત મૂળજી ભગતનો મહિમા કરતા કહ્યું કે દસ અવતારો, ચાર વ્યૂહ, ચોવીસ મૂર્તિઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એક એક બ્રહ્માંડમાં રહ્યા છે; તેવા અનંત બ્રહ્માંડોને મૂળજી ધરી રહ્યા છે ! પેજ-41
સહજાનંદજીએ કહ્યું ’હા, હું જ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પુરુષોત્તમ છું. હું જ રાધા-લક્ષ્મીનો નાથ છું. શાસ્ત્રોમાં મારો મહિમા કહ્યો છે!’ પેજ- 56
વરસાદ થતો ન હતો એટલે સહજાનંદજીએ પલંગમાં સૂતા સૂતા ઇન્દ્રને ધમકાવ્યો ! આથી ઈન્દ્રે ગુસ્સે થઈ વીજળીના કડાકા સાથે મુશળધાર વર્ષા કરી ! પેજ-66
સહજાનંદજીએ કહ્યું કે અક્ષરધામ સર્વ ધામોથી પર છે. અગ્નિ, વરુણ, વાયુ, ઈન્દ્ર, સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામચંદ્ર, નરનારાયણ, શ્રીકૃષ્ણ વગેરે સર્વથી પર અમારું અક્ષરબ્રહ્મ છે. તેથી પણ પર હું છું ! પેજ-83, 84
દેવ-દેવીઓ પાસે પોતાની સ્તુતિ કરાવનાર ભગવાન હોય કે પાખંડી?
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ, લક્ષ્મીજી, પાર્વતીજી વગેરે દેવ-દેવીઓ સહજાનંદજીના ચાકર હોય તે રીતે તેમના સાહિત્યમાં ઉલ્લેખ
- Advertisement -
સહજાનંદજી જમવા બેઠા. થાળમાં બાજરાનો રોટલો હતો. સામેના ઝાડ પર કાગડો કા-કા કરવા લાગ્યો. સહજાનંદજીએ રોટલો કાગડા તરફ ફેંક્યો અને કાગડાએ પોતાની ચાંચમાં આખો રોટલો પકડી લીધો અને તે ઉડી ગયો. લાડુબાએ પૂછ્યું : અરે મહારાજ! આ શું કર્યું? રોટલો કાગડાને નાખી દીધો?’ સહજાનંદજી કહે : ‘લાડુબા ! એ કાગડો નહીં, બ્રહ્માજી હતા. અમારી પ્રસાદી લેવા આવ્યા હતા. વર્ષોથી તલસતા હતા, તે આજે લાભ આપ્યો.’ બ્રહ્મા/વિષ્ણુ/મહેશ જેવા દેવો એમની પ્રસાદી ઝંખે. પ્રસાદી આપી દેવોનુંય કલ્યાણ કરે. સત્સંગ વિહાર, ભાગ-2, પેજ-23. પ્રકાશક: ઇઅઙજ, સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ, અમદાવાદ
વનવિચરણ વેળાએ વર્ણીરાજ (સહજાનંદ)ની ઉંમર 11 વરસની હતી. જ્યાં જૂઓ ત્યાં કાંટાળા ઝાંખરા. હિંસક પ્રાણીઓના ભયંકર અવાજો. આંટા મારતા સર્પો. ઘટાટોપ વૃક્ષો. વર્ણીરાજે ચાલ્યા જ કર્યું. ન પાણી. ન ભોજન. અચેતન થઈ ધરતી ઉપર ઢળી પડે. ફરી ચાલવા લાગે. આ સમયે શિવજી અને પાર્વતી છપૈયાની ભૂમી પર આવ્યા. ત્યાં શિવજી ભૂમિની ધૂળ ઉપર આળોટવા લાગ્યા. પાર્વતીજીએ પૂછ્યું : ‘આ શું કરો છો? જમીન ઉપર કેમ આળોટો છો?’ શિવજીએ ખુલાસો કર્યો : ‘અહીં અનંત બ્રહ્માંડોના નાથ રમ્યા છે ! આ ભૂમિની ધૂળ તીર્થરૂપ બની ગઈ છે !’ પાર્વતીજીએ કહ્યું : ‘મને એમના દર્શન કરાવો.’ બન્ને પહોંચ્યા જંગલમાં વર્ણીરાજ પાસે. વર્ણીરાજે પૂછ્યું : ‘તમે કોણ છો?’ શિવજી અને પાર્વતીજીએ કહ્યું : ‘આપ પાંચ પાંચ દિવસથી ભૂખ્યા છો, એટલે આપની સેવામાં આ નાની શી ભેટ (સાથવો-શેકેલા ધાનનો લોટ અને મીઠું) લાવ્યા છીએ.’ વર્ણીરાજ કહે : ‘પહેલાં કહો તો ખરા કે તમે કોણ છો? અમે અજાણ્યા માણસનું અન્ન જમતા નથી.’ શિવજી કહે : ‘હે પરમેશ્ર્વર! હું શિવ છું અને આ પાર્વતી છે.’ શંકર-પાર્વતીની સેવાથી પ્રસન્ન થયેલા વર્ણીરાજે વરદાન આપ્યું કે ‘અમે તમને સેવામાં રાખીશું!’ તે વચન અનુસાર જૂનાગઢ મંદિરમાં શ્રી હરિએ-સહજાનંદજીએ શંકર-પાર્વતીને પધરાવ્યા છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, ભાગ-2, પેજ-227, પ્રકાશક : મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન
સહજાનંદજીએ શિક્ષાપત્રીના પ્રથમ શ્ર્લોકમાં લખેલ છે કે ‘કૃષ્ણ ઈષ્ટદેવ’ છે. પરંતુ પાછળથી આ શ્ર્લોકનો ભંગ કરી પોતાને ‘ભગવાન સ્વામિનારાયણ’ ઘોષિત કરી દીધા ! એટલું જ નહીં કૃષ્ણ, રામ, શિવ કરતા પોતાને સર્વોપરી ઘોષિત કરી દીધા ! શું આ લક્ષ્મીજી, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણનું અપમાન નથી? જૂઠાણાંથી ગેરમાર્ગે દોરીને ધર્મની કે સમાજની સેવા થઈ શકે? શું સહજાનંદજીનું સંતપણું; પરચાઓ, લીલાઓ, જૂઠાણાંઓ, સોનાના આભૂષણોએ હરી લીધું નથી?
એક તરફ, સહજાનંદજી પોતાને સર્વોપરી ભગવાન કહે છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ, લક્ષ્મીજી, પાર્વતીજી વગેરે દેવ-દેવીઓ પાસે પોતાની સ્તુતિ-પૂજા કરાવે છે; બીજી તરફ સ્વામિનારાયણ સંપ્રદાય, હનુમાનજીની વિશાળ મૂર્તિ મૂકીને પોતાનો વાડો મોટો કરવા અને અઢળક દાન એકત્ર કરવા શ્રદ્ધાળુ હિન્દુઓનો શિકાર કરવાની યુક્તિ અજમાવે છે ! સૌથી મોટો સવાલ એ છે કે સહજાનંદજી પોતાને સર્વોપરી ભગવાન માનતા હતા; તેમના ભક્તો પણ સ્વામિનારાયણ ભગવાનને બીજા બધાં ભગવાનો કરતા ચડિયાતા માને છે; તો હનુમાનજીની મૂર્તિનો સહારો લેવાની સ્વામિનારાયણ સંપ્રદાયને જરુર કેમ પડી હશે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ, લક્ષ્મીજી, પાર્વતીજી વગેરે દેવ-દેવીઓ પાસે પોતાની સ્તુતિ કરાવનાર ભગવાન હોય કે પાખંડી?