- -નવી કોર્ટ બિલ્ડિંગમાં વકીલોની બેઠક વ્યવસ્થા નથી: અનેક પડતર પ્રશ્ર્નો અંગે વકીલોમાં રોષ છવાયો
ખાસ-ખબર સંવાદદાતા
સને 2018ના અરસાથી જૂની કોર્ટથી રાજકોટ બાર એસોસિએશનની જુદી જુદી બોડીઓ દ્વારા લેખિત તથા મૌખિક પત્રવ્યવહારોના માધ્યમથી આકાર પામનાર આ નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલોની સુવિધાઓ અને જરૂરિયાતો અન્વયે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. જે સંબંધે વિશ્ર્વાસ પણ આપવામાં આવ્યા બાદ તે મુજબની સુવિધાઓ અને જરૂરિયાતો ન સંતોષાતા છેલ્લા ઘણા સમયથી રાજકોટ બાર એસોસિએશન અને બેંચ સાથે તકરાર ચાલી રહેલ છે જેના ભાગરૂપે આજે એક દિવસ પૂરતા રાજકોટ બારના તમામ સભ્યો ગાંધી ચિંધ્યા રાહે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી સુવિધાઓ અને જરૂરિયાતોની બેંચ દ્વારા માંગણી સંતોષાય તેવી માંગ કરી હતી.
છેલ્લા ઘણાં સમયથી વકીલોની બેઠક વ્યવસ્થા માટે કુલ કેટલા ટેબલોની જગ્યાની આવશ્યકતા છે તે સંબંધે રાજકોટ બાર એસોસિએશન દ્વારા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ તથા નામદાર હાઈકોર્ટને પુછવાથી તથા સામેથી લેખિત સ્વરૂપે કુલ 2500 ટેબલની આવશ્યકતા હોવાનું જણાવ્યા બાદ પી.ડી.જે.ની સુચના મુજબ ટેબલ રાખવા ઈચ્છુકોના ફોર્મ મંગાવવામાં આવેલી જે કુલ 1186 ફોર્મ આવતા 362 ટેબલોની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલી અને હજુ 824 ટેબલોની વ્યવસ્થા ગોઠવવાની બાકી હોય બેંચ દ્વારા વકીલોની સુવિધા માટે જગ્યા ફાળવેલી તે જગ્યામાં પહેલા માળે ટેબલ રાખવા પ્રશ્ર્ને બેંચ દ્વારા હસ્તક્ષેપ કરી પોલીસ બોલાવતા રાજકોટ બારના ઈતિહાસમાં તે પ્રથમ ઘટના ઘટી હોય છતાં બાર દ્વારા જતુ કરી શાંતિથી ઉકેલ લાવવા તૈયાર હતું દરમિયાન બીજા દિવસે સવારે પી.ડી.જે. દ્વારા પત્ર પાઠવતા ત્યારથી તકરાર બાર અને બેંચ વચ્ચે શરૂ થઈ હતી. કારણ કે બેંચે માત્ર જગ્યા આપવાની હતી.
- Advertisement -
ટેબલ કયાં રાખવા, કઈ રીતે રાખવા, કોને રાખવા તે બારનો પ્રશ્ર્ન હતો તેમાં બેંચ હસ્તક્ષેપ કરી શકે નહીં તે પ્રશ્ર્ન ઉપરાંત બાર દ્વારા ફર્નિચરની કરેલી માગણીમાં પણ જુનુ ફર્નિચર માગણીથી 20 ટકા ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત પાણીનો પ્રશ્ર્ન, લીફ્ટ બંધ થઈ જવાનો પ્રશ્ર્ન, કેન્ટિેનનો પ્રશ્ર્ન, ઝેરોક્ષનો પ્રશ્ર્ન, સ્ટેમ્પ વેન્ડરો તથા પિટિશન બોન્ડ રાઈટરનો પ્રશ્ર્ન, પત્રકારોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ર્ન, પાર્ટીશનનું કામ અટકેલનો પ્રશ્ર્ન, કોર્ટ પાછળથી પ્રવેશતા ફ્લોર, વીંગ, રૂમ નંબરનું ડીમાર્કેશન નહીં હોવાનો પ્રશ્ર્ન, પાર્કીંગમાં નંબરીંગ નહીં હોવાનો પ્રશ્ર્ન, ફ્રન્ટ ગેઈટ બંધ હોવાનો પ્રશ્ર્ન, પોસ્ટ ઓફીસ તથા એટીએમનો પ્રશ્ર્ન વિગેરે અનેક સમસ્યાઓ અન્વયે પી.ડી.જે.ને લેખિત રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં તેનું નિરાકરણ લાવવામાં આવેલું ન હોય, ગ્રીવન્સ રીડ્રેસલ કમિટી અસ્તિત્વમાં હોવા છતાં પી.ડી.જે. દ્વારા અન્ય કમિટી ઉભી કરી બારના સભ્યોને સામસામે કરી દેવા પ્રયાસ થયેલ જે રેકર્ડ પરની હકીકતો છે. ‘લોયર્સ કેન ગો ઓન સ્ટ્રાઈક ફોર નોટ મોર ધેન વન ડે’- આ પ્રકારે નામદાર સુપ્રિમ કોર્ટના ચૂકાદામાં પણ જણાવેલું હોય, રાજકોટ બાર એસોસિએશનનું કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું પણ એક દિવસ પૂરતુ હોય અને જ્યારે નામદાર સુપ્રિમ કોર્ટ ‘લોયર્સ આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ સિસ્ટમ ઓફ એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટીસ’ જણાવેલું હોય ત્યારે રાજકોટ બારના દરેક સભ્ય આ રીતે શાંતિથી પ્રશ્ર્નનું નિરાકરણ ઈચ્છતા હોવા છતાં બેંચ દ્વારા કોઈને કોઈ પ્રશ્ર્ને ઘર્ષણ કરવામાં આવી રહ્યું હોય ત્યારે પ્રશ્ર્નનું નિવારણ લાવવા ઉપરોક્ત પ્રશ્ર્ને આગામી કાર્યક્રમમાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ મારફત ગુજરાત રાજ્યના ચીફ જસ્ટીસ તથા નામદાર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીનો સમય માગી ઉપરોક્ત સહિતના અનેક પ્રશ્ર્ને રજૂઆતો પણ કરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું છે.