ગણેશ કોમ્પ્લેક્સમાં રેડ: 9,500થી વધુ દારૂની બોટલો અને 3,000 બીયરના ટીન કબજે, બોલેરો માલિક સહિત 2 આરોપી સામે ગુનો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.12
- Advertisement -
મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામની સીમમાં મોરબી-માળીયા નેશનલ હાઈવે પર આવેલ શ્રી ગણેશ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં આવેલા એક ગોડાઉનમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ગણી શકાય તેવો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 94,77,480/-ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, તેજસભાઈ મનુભાઈ વહેરા (રહે. ધરમપુર) આ ગોડાઉનમાં દારૂનો જથ્થો રાખી તેનું ચોરીછૂપીથી વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન, પોલીસે વિવિધ બ્રાન્ડની 9,516 દારૂની બોટલો (કિંમત રૂ. 85.45 લાખ) અને 3,000 બીયરના ટીન (કિંમત રૂ. 6.32 લાખ) જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, દારૂના વહન માટે ઉપયોગમાં લેવાયેલી બોલેરો પીકઅપ (કિંમત રૂ. 3 લાખ) પણ કબજે કરવામાં આવી છે. પોલીસે બોલેરોના માલિક અને તેજસભાઈ મનુભાઈ વહેરા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



