રાજકોટના રાજવી પેલેસમાં બન્ને હાથમાં તલવાર લઈ 150 મહિલા રાસ રમી, બાઇક-જીપ પર કરતબો દેખાડ્યાં
કોમળ હાથોથી નિતનવા પકવાન બનાવતી નારી શીલ-ચારિત્ર્યની કે મા ભોમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઇને રણચંડી બની જાય એવા ગૌરવવંતા ખમીરવંતા ભારતમાં નારીની દેવીસ્વરૂપે પૂજા થાય છે, જેને વિશ્વ આખું અચંબિત થઈને નિહાળે છે. રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી પેલેસના પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો નવરાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુન:જીવિત કર્યો હતો. બાઇક તેમજ ખુલ્લી જીપ પર ઊભાં રહીને અને અશ્વ પર સવાર થઈ કરેલા તલવાર રાસને જોઈને ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી થઈ હતી. રાજવી પેલેસ ખાતે વર્ષ 2006થી નવરાત્રિમાં તલવાર રાસ રમાય છે. આ વખતે શુક્રવાર એટલે કે બીજા નોરતા દરમિયાન તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલી ક્ષત્રિય સમાજની બહેનો તલવાર રાસ રમી હતી, જે પૈકી કેટલીક બહેનો બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઈ પ્રથમ વખત તલવાર રાસ રમી હતી તેમજ અશ્વો પર તલવાર સાથે રાસ રમતાં ઉપસ્થિત સૌકોઈને ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી કરાવી હતી. આ ઉપરાંત બહેનોએ દીવડા, થાળી અને ટિપ્પણી રાસ પણ રજૂ કર્યો હતો.
- Advertisement -
છેલ્લાં 13 વર્ષથી સાફા બાંધવાની તાલીમ, હેરિટેજ વોક, પર્યાવરણ જાગૃતિ, સૈનિકોને ઇકો ફ્રેન્ડલી રાખડી મોકલવા સહિતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભગિની ફાઉન્ડેશન દ્વારા બાઈક પર તલવાર રાસ શીખવવાની ખાસ શિબિર રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજથી ચાર વર્ષ પહેલાં ક્ષત્રિય સમાજની હજારો બહેનોએ એકસાથે તલવાર રાસ રમીને વિશ્વવિક્રમ પણ સ્થાપ્યો હતો. રાજકોટના રાજવી પરિવારના મહારાણી કાદમ્બરી દેવીએ જણાવ્યું હતું કે તલવાર રાસનું આ 16મું વર્ષ છે. અમારા સમાજની બહેનો તલવાર રાસમાં ભાગ લે છે. તલવાર રાસની એકથી દોઢ મહિનો પ્રેક્ટિસ કરવામાં આવે છે. પ્રેક્ટિસ એટલા માટે જરૂરી હોય છે કે દર વર્ષે અમારે નવું ગ્રુપ હોય છે. જે ગ્રુપ તલવાર રાસ કરી લે છે એ બીજી વખત તલવાર રાસ કરતું નથી. પરંપરા આ તો બહુ જૂની છે. આપણા સનાતન ધર્મમાં શસ્ત્રની બહુ જ ભૂમિકા છે. ખાસ કરીને અમારા સમાજ માટે શસ્ત્ર બહુ જ મહત્ત્વપૂર્ણ છે. આ કલા પહેલાં યુદ્ધમાં કામ આવતી. હવે યુદ્ધ તો નથી પણ આ નવા યુગમાં આ પરંપરા લુપ્ત ન થાય એ માટે અમારી ભગિન ફાઉન્ડેશન આ કાર્ય કરે છે.
મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ જેવા યોદ્ધાઓ પહેલા મા ભગવતીની પ્રાર્થના કરીને શસ્ત્ર હાથમાં ઉઠાવતા હતા. એ પરંપરા પ્રમાણે આપણે માતાજીનું આહવાન કરીએ.