‘ખાસ ખબર’ ની આગાહી પોરબંદરનું સૌથી મોટું કૌભાંડ બહાર આવશે!
તપાસ તો થઈ પણ રિપોર્ટ કેમ જાહેર ન કરાયો ? પ્રાંત અધિકારી પર રાજકીય દબાણ હોવાની ચોમેર ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના નવીબંદર પોલીસ મથકમાં સીઝ કરાયેલો સરકારી મુદ્દામાલ ગેરકાયદે છોડી દેવાયો હોવાના ચોંકાવનારા ખુલાસા થયા બાદ, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી દ્વારા હાઈ-લેવલ તપાસ કમિટી રચી તપાસ આદેશિત કરવામાં આવી. કમિટીએ સ્થળ પર જઈ તપાસ હાથ ધરી, છતાં અત્યાર સુધી કોઈ વિગત જાહેર કરી નથી. ગત શુક્રવાર, 21 તારીખે, તપાસ કમિટિના અધ્યક્ષ સંદીપસિંહ જાદવ (પ્રાંત અધિકારી, પોરબંદર) તેમજ સભ્યો કિરણ પરમાર (ભૂસ્તરશાસ્ત્રી, ખાણ-ખનીજ વિભાગ), ખીમાભાઈ મારૂ (ગ્રામ્ય મામલતદાર), અને મિતેષ મોદી (મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી)એ નવીબંદર પોલીસ મથકે સીઝ કરાયેલા મુદ્દામાલની ચકાસણી કરી.
તપાસ બાદ આશા હતી કે જાહેર સ્પષ્ટતા થશે, કૌભાંડના ગુનેગારો સામે કાર્યવાહી માટે તંત્રનું વલણ સ્પષ્ટ થશે, પણ પ્રાંત અધિકારીએ કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળી દીધું! જાણકાર સૂત્રો મુજબ, પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ પર કોઈ મોટા રાજકીય નેતાનું પ્રેશર આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમણે તપાસ કર્યા પછી પણ કોઈ પણ માહિતી જાહેર કરવાની તૈયારી દર્શાવી નથી. સૂત્રો અનુસાર, હવે આ કેસમાં જઈંઝ (વિશેષ તપાસ ટીમ)ની માંગ ઉઠી શકે છે. જિલ્લામાં તંત્રની નિષ્ક્રિયતા અને રાજકીય દબાણ સામે સ્થાનિક લોકોએ હવે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. જો રિપોર્ટ જાહેર નહીં થાય, તો હવે આ મામલો રાજ્ય સરકાર અને ઉચ્ચ કોર્ટ સુધી પહોંચી શકે છે.
- Advertisement -
ચર્ચાતા સવાલ…
જો તપાસ કરવામાં આવી છે, તો પછી તેને જાહેર કેમ કરવામાં આવી નથી?
શા માટે તપાસ કમિટી ખુલાસો કરી શકતી નથી?
શું તપાસ કમિટી પર કોઈ મોટું રાજકીય દબાણ છે કે પછી તંત્રની આબરૂ બચાવવા કોઈ આગળની કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે ?
તપાસ દરમિયાન જ કોઈ સેટલમેન્ટ થયું છે?
આખરે, જેમને કૌભાંડમાં જવાબદાર ઠરાવવાના હતા, તેવા લોકો સાથે જ તપાસ કમિટી કોઈ ગોટાળો છૂપાવવા તો કામ કરી રહી નથી ને?
હેર-ફેર કૌભાંડના મામલામાં મોટા નામો સંડોવાયેલા છે કે શું? શું તંત્ર કોઈ સેટલમેન્ટ માટે સમય લઈ રહ્યું છે?
શું તપાસની દિશા બદલી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
આ તમામ સવાલો વચ્ચે, જાહેર પ્રતિક્રિયા આપવામાં ન આવી હોવાને કારણે તપાસ કમિટિ પોતે જ શંકાના ઘેરામાં આવી ગઈ છે.