માથાકૂટના પગલે વાલીઓ, વિસ્તાર વાસીઓની ઉગ્ર રજૂઆત, અંતે ખાતરી આપતા મામલો થાળે પડયો હતો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
શહેરના બાલાજી હોલ પાસે આવેલ ધોળકિયા સ્કૂલમાં વેન પાકિગના પ્રશ્નને લઇને આજે વાલીઓ અને આસપાસના સોસાયટીધારકોઓ હોબાળો મચાવ્યો હતો. બાલાજી હોલ પાસે આવેલ ધોળકિયા સ્કૂલના ગ્રાઉન્ડમાં વિધાર્થીઓને લઇને આવતી સ્કૂલવેનને સંચાલકો દ્રારા પાકિગ કરવા દેવામાં ન આવતું હોવાના કારણે આ વેન બાજુમાં આવેલી શેરીઓમાં પાર્ક કરીને વેન ચાલકો દાદાગીરી કરી ધમકી આપતા હોવાથી આસપાસના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ચૂકયા છે અને આજે વિસ્તારવાસીઓ મોટી સંખ્યામાં રજૂઆત માટે શાળા સંચાલકો પાસે દોડી આવ્યા હતાં અને જયાં સુધી આ પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલન માટેની ચિમકી પણ ઉચ્ચારી હતી.
ધોળકિયા સ્કૂલ નજીક આવેલ રામપાર્ક, ગિરનાર કોલોની સહિતના વિસ્તારોમાં રહેતા લોકો મેનેજમેન્ટને મળ્યા હતાં જેમાં આ અંગે ઉગ્ર રોષ ઠાલવતા અમિત બોરીચા અને રહેવાસીઓએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી આ પ્રશ્ન સળગી રહ્યો છે. બાળકોને મુકવા આવતા વાલીઓ સાથે પણ સ્કૂલ વેનના ચાલકો લુખ્ખાગીરી કરી ત્રાસ વર્તાવે છે.
ઘણી વખત પાકિગના લીધે આસપાસમાં રહેતા લોકો પોતાના વાહનો પણ રાખી શકતા નથી અને તેમના ઘર સુધી પહોંચવા માટે ત્રણ કિલોમીટર સુધી ફરીને જવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જો તત્રં દ્રારા આ સ્કૂલ વેનનું ચેકિંગ કરવામાં આવે તો વેનમાંથી ધોકા અને હોકી જેવા શક્રો પણ મળી આવે. દરમિયાન આજે બપોરે બાળકને સ્કૂલે મુકવા આવેલ મહિલાના એકિટવાના પાકિગ માટે સ્કૂલ વેનચાલકને માથાકૂટ સર્જાઇ હતી અને આ મહિલા સામે અપશબ્દો ઉચ્ચારીને આ મહિલાને ફડાકા ઝીંકી દીધા હોવાની ચર્ચા બાદ મામલો બિચકયો હતો અને વાલીઓ તેમજ સોસાયટીધારકો સ્કૂલ સંચાલકો પાસે રજૂઆત માટે દોડી ગયા હતાં.
- Advertisement -
આ બાબતે તાત્કાલીક યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી તેમજ જણાવ્યું હતું કે, જો પગલાં નહીં ભરાય તો સ્કૂલ મેનેજમેન્ટ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ રજૂઆતમાં એમ પણ જણાવ્યું છે કે, આ શેરીમાં એકપણ સ્કૂલ વેન પાર્ક થવા દેવામાં નહીં આવે અને જો મામલો આગળ વધશે તો તેના માટે ધોળકિયા સ્કૂલ જવાબદાર રહેશે તેમ આવેદનમાં જણાવાયું હતું.દરમિયાન આ બાબતે શાળાના મેનેજમેન્ટ દ્રારા ખાતરી આપવામાં આવી છે કે, દસ દિવસમાં સ્કૂલ વેનની પાકિગ કરવાની સમસ્યાનો ઉકેલ આવી જશે, ત્યારબાદ આ મામલો થાળે પડયો હતો.


