જગદીશ મહેતા સહિતના બુદ્ધિજીવીઓ સાહિત્ય અને અખબાર જગતમાં ડોકિયું કરાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
અખબારો, રેડિયો, ટેલિવિઝન અને સામાયિકોના વ્યાપક પ્રસાર અને દબદબો રહ્યા બાદ ઇન્ટરનેટનો વ્યાપ વધતા સોશિયલ મીડિયા પરંપરાગત માધ્યમો કરતાં બળુકુ બન્યું છે. પરંપરાગત માધ્યમોની સરખામણીએ સામાજિક, રાષ્ટ્રીય, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ક્ષેત્રે પડતી સકારાત્મક અને નકારાત્મક અસરો પર સોશિયલ મીડિયા ભારે પડી રહ્યું છે. લોકોને જ્યારે જોઈએ ત્યારે અને જેટલું જોઈએ તેટલું સાહિત્ય, માહિતી સોશિયલ મીડિયામાં મળતું થતાં તેના વધતા વર્ચસ્વને ધ્યાને લઈને ‘વિશ્ર્વ સોશિયલ મીડિયા દિવસ’ની ઉજવણી શરૂ કરવામાં આવી છે ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત ‘સાહિત્ય અને સમૂહ માધ્યમો’ વિષયક એક પરીસંવાદનું આયોજન તારીખ 30 જૂન અને રવિવારે રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, નદી કિનારે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં દિવસ દરમ્યાન ચાર બેઠકો યોજાશે.
- Advertisement -
જે પૈકી ઉદ્ઘાટન બેઠકનું આયોજન સવારે 9-30થી 10 કલાક દરમ્યાન કરવામાં આવ્યું છે. જેમાં સમીર ભટ્ટ આવકાર અને કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરશે. જ્યારે પ્રાસંગિક ઉદ્બોધન હર્ષદ ત્રિવેદી આપશે. બીજરૂપ વક્તવ્ય દેવેન્દ્ર ભટનાગરનું અને સંચાલન હાર્દિ ભટ્ટનું રહેશે. પ્રથમ બેઠક સવારે 10 કલાકે શરૂ થશે જે 12 વાગ્યા સુધી ચાલશે. જેમાં ‘સાહિત્ય અને વિજાણું માધ્યમો’ વિષયક વક્તવ્ય દેવાંગ ભટ્ટ, ઉત્સવ પરમાર, મૌલીન મુનશી આપશે અને પૂરક વક્તવ્ય ત્રિલોક સાંઘાણી આપશે. આ બેઠકનું સંચાલન હેમાંગ રાવલ કરશે.બપોરે 1થી 3 વાગ્યા સુધી બીજી બેઠક યોજાશે. જેમાં ‘સાહિત્ય અને અખબાર સામાયિકોનું જગત’ વિષયક એક પરીસંવાદ યોજાશે, જેનું સંચાલન પરીક્ષિત જોશી કરશે. આ પરિસંવાદમાં વક્તા તરીકે પત્રકાર, લેખક, સંપાદક તેમજ રાજકીય વિશ્ર્લેષક જગદીશ મહેતા પોતાના પ્રભાવક વિચારો રજૂ કરશે. બપોરે 3 કલાકે ત્રીજી બેઠક યોજાશે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જેમાં ‘સાહિત્ય અને સામાજિક માધ્યમો’ વિષયક પરિસંવાદ થશે. ઉલ્લેખનીય છે કે સાંપ્રત સમયમાં વિવિધ પ્રચાર, પ્રસાર માધ્યમોની ભૂમિકા વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વની બની રહી છે. અખબાર, ટીવી, ઇન્ટરનેટ થકી મોબાઈલ વિશ્ર્વની દુનિયા અગાઉ કરતાં અઢળક માહિતીઓનો સોર્સ બની રહી છે ત્યારે નિર-ક્ષીર તારવવામાં ખાસ કરીને યુવા પેઢી અસમંજસ અનુભવી રહી છે. એવા સમયે ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત આ પરિસંવાદ લોકોપયોગી બની રહેશે તેમાં કોઈ મિનમેખ નથી.
તેજતર્રાર પત્રકાર જગદીશ મહેતાનો આજે જન્મદિવસ
સૌરાષ્ટ્રના સંખ્યાબંધ અખબારોમાં પત્રકાર અને સંપાદક તરીકે રહી ચૂકેલા તેજ તરાર કલમના માલિક જગદીશભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે. તેઓ આજરોજ તેમની ઝળહળતી કારકિર્દીના 60 વર્ષ પૂર્ણ કરી 61માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. જગદીશ મહેતા છેલ્લા અઢી દાયકાથી રાજકોટ સ્થિત અખબારોમાં પોતાની ધારદાર કલમથી છવાયેલા રહ્યા છે. હાલમાં જગદીશ મહેતા દૈનિક હેડલાઈનમાં વરિષ્ઠ પત્રકાર અને સંપાદક તરીકે સેવા આપે છે. જગદીશ મહેતાના જન્મદિવસ નિમિતે પત્રકાર આલમ ઉપરાંત મિત્રો, શુભેચ્છકો અને વિશાળ ચાહક વર્ગ તેમના મોબાઈલ 9375422233 અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.



