5 મેથી 8 જૂન એમ 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરી શરૂ થઇ
રાજકોટમાં નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયુ : બાળકોએ પ્રાર્થના સાથે અભ્યાસની શરૂઆત કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
5 મેથી 8 જૂન સુધી એટલે કે 35 દિવસના ઉનાળુ વેકેશનની રજાની મજા માણ્યા બાદ આજથી નવા શૈક્ષણીક વર્ષનો પ્રારંભ થયો છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે શાળાએ જવા ખૂબ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનાથી બંધ શાળા ફરી સવારથી જ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી હતી. શાળામાં પ્રથમ દિવસે બાળકોએ પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરી, ખૂબ મજા કરી રમતો રમી સાથે સાથે શૈક્ષણીક કાર્યમાં ઉત્સાહભેર જોડાયા. આ ઉપરાંત શાળાના શિક્ષકો અને આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ સાથે અભિનંદન આપવામાં આવ્યા હતા.
અનેક સ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશ સમયે નૂતન વિદ્યારંભ સંસ્કાર યજ્ઞ યોજવામાં આવ્યો હતો. પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંવર્ધન અને સંસ્કારો બાળકોમાં આવે તે માટે વૃક્ષ વંદના અને વૈદિક યજ્ઞથી પ્રવેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકો અને વાલીઓએ વૈદિક યજ્ઞમાં આહૂતિ આપી હતી. બાળકોમાં સાચા સંસ્કારોનું રોપણ થાય અને ભારતીય સંસ્કૃતિને પ્રસ્થાપિત કરે અને પછી અભ્યાસનો પ્રારંભ કરે તે પ્રકારે પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્કૂલમાં નવા પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના હસ્તે તેમના નામથી વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતુ.છે.