રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન એમ. વેંકટેશનની અધ્યક્ષતામાં રાજકોટના સફાઈ કામદારોના પ્રશ્ર્નોના નિવારણ માટે બેઠક યોજાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન એમ. વેંકટેશનના અધ્યક્ષસ્થાને રાજકોટના સફાઈ કામદારોના પ્રશ્ર્નોના નિવારણ માટે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, મ્યુ.કમિશનર અમિત અરોરા સહિતના અધિકારીઓની સફાઇ કામદારો સાથે બેઠક મળી હતી.
આ બેઠક પૂર્વે એમ. વેંકટેશને કસ્તુરબા માર્ગ ઉપર આવેલા ગાર્ડન સ્થિત વાલ્મીકિ ઋષિની પ્રતિમાના દર્શન કર્યા હતા ત્યાર બાદ સફાઈ કર્મચારીઓના ઠક્કર બાપાની કોલોની અને જામનગર રોડ સ્થિત વાલ્મીકિ વાડી ખાતે આવેલા નિવાસસ્થાનોની મુલાકાત લીધી હતી અને તેમની રજૂઆતો, પ્રશ્ર્નો સાંભળ્યાં હતા ને તેમની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. આ સાથે તેમણે સફાઈ કામદારોના પ્રશ્ર્નો હલ કરવા માટે તત્પરતા દર્શાવી હતી.
- Advertisement -
કોરોના કાળમાં અવસાન પામેલા રાજકોટ મહાનગરપાલિકાના નવ સફાઈ કર્મચારીઓના વારસદારોને જિલ્લા સેવા સદન ખાતેની બેઠકમાં કાયમી નોકરીના ઓર્ડર આ તકે મહાનુભાવોના હસ્તે અપાયા હતા. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેને કોરોના સામે લડાઇમાં સફાઇ કામદારોનું પણ નોંધપાત્ર યોગદાન રહ્યું છે તેમ જણાવતા કહ્યું હતું કે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ સફાઈ કામદારોના પ્રશ્ર્નોને પ્રત્યક્ષ સાંભળીને તેનો હકારાત્મક નિકાલ થાય તે દિશામાં કાર્યરત છે. આ તકે સફાઇ કામદારોના પી.એફ., લઘુત્તમ વેતનની જોગવાઇ, કોમ્યુનિટી હોલ, મેડીકલ રજા, આવાસ યોજના, કોન્ટ્રાક્ટ પ્રથા જેવા પ્રશ્ર્નો ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સફાઇ સમયે માસ્ક, ગ્લોવ્ઝ સહિતની વસ્તુઓ કર્મચારીઓને પુરી પાડવા ઉપરાંત સફાઇ કર્મચારીઓનું રેગ્યુલર મેડીકલ ચેકઅપ થાય તેની કાળજી લેવા માટે વેંકટેશને ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું.