બાલસખા યોજનાની જાહેરાત શરતચૂકથી અપાઈ તેવી આરોગ્ય અધિકારીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી
શિલ્પા જાવિયા વિરુદ્ધ હવે કડક કાર્યવાહી ન કરવામાં આવે તો નવાઈ
- Advertisement -
જૂનાગઢ આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાના ભ્રષ્ટ આચરણ અને ગેરવહીવટને ઉજાગર કરતા ’ખાસ-ખબર’ના અહેવાલોની જબરદસ્ત અસર પડી છે. બાલસખા યોજના હેઠળ શિલ્પા જાવિયાએ ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલ સાથે કરેલા એમ.ઓ.યુ. અંગે વિવિધ અખબારોમાં આપેલી જાહેરખબર મામલે લેખિતમાં સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. આજ રોજ જૂનાગઢ આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાએ એક પ્રેસ રિલીઝ દ્વારા સમગ્ર મામલે થૂકેલું ચાટવાનો અને ભીનું સંકેલવાનો પ્રયાસ અર્થહીન પ્રયાસ કર્યો છે. બાલસખા યોજના-3 હેઠળ જૂનાગઢ જિલ્લાના કોઈપણ બાળરોગ નિષ્ણાંત ડોક્ટર સાથે કોઈ કરાર કરાયા નથી એવી સ્પષ્ટતા કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાએ જણાવ્યું છે કે, પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરી 2023ના નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા જૂનાગઢ જિલ્લામાં બહોળી પ્રસિધ્ધિ ધરાવતા વર્તમાન પત્રોમાં આરોગ્યની યોજનાઓની જાહેરાત આપીને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
શિલ્પા જાવિયાએ સ્પષ્ટતા નહીં, માફી માંગવાની જરૂર: ઉચ્ચ અધિકારીઓએ ભૂલની ગંભીર નોંધ લેવી જરૂરી
અવારનવાર પોતાના ભ્રષ્ટ આચરણ અને ગેરવહીવટને કારણે વિવાદોમાં રહેનાર શિલ્પા જાવિયાએ આરોગ્ય અધિકારીના પદ પર રહીને કરેલી ભૂલ બદલ સ્પષ્ટતા નહીં પરંતુ માફી માગવી જરૂરી છે. બાલસખા યોજના અન્વયે જાહેર માધ્યમોમાં ખોટી ખબર આપવી એ શરતચૂક નહીં, અક્ષમ્ય ભૂલ છે. તેમણે સરકારી યોજના બાબતે જનતાને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરેલું છે. તેમની શરતચૂક સજાને કાબેલ છે. આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાના ઉપરી અધિકારીઓ – વિભાગોએ પણ આ મામલાની ગંભીર નોંધ લઈ તેમની ખાતાકીય તપાસ કરાવવી જોઈએ અને તેમને હાલ આરોગ્ય અધિકારીની ફરજ પરથી દૂર કરી દેવા જોઈએ.
- Advertisement -
શિલ્પા જાવિયાએ પ્રેસ રિલીઝ કરી કહ્યું, હાલ આવી કોઈ યોજના ચાલુ નથી કે કોઈ ડોક્ટર સાથે કરાર કરાયા નથી!
આ આપવામાં આવેલી જાહેરાત પૈકી આ વર્તમાન પત્રો જેવા કે ગજાનંદ ન્યુઝ નેટવર્ક-જૂનાગઢ, સમીક્ષા દૈનિક, સુપરભૂમિ સાપ્તાહિક-માળીયા, જન અભિયાન, સોરઠની ખબર સાપ્તાહિક, આજના ચૂંટણી સમાચાર સાપ્તાહિક, સત્ય દિશા સાપ્તાહિક, મહિલા ક્રાંતિ સાપ્તાહિક જેવા વર્તમાન પત્રોમાં અત્રેની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરીના આરોગ્ય શિક્ષણ માટે સંબંધિત કર્મચારીશ્રી દ્વારા શરતચૂકથી બાલસખા યોજના-3ની જાહેરાત આપવામાં આવી હતી. આ આપવામાં આવેલી જાહેરાત સમાચાર અન્વયે સ્પષ્ટતા કરવાની કે, આ બાલસખા યોજના-3 જૂનાગઢ જિલ્લા પંચાયતના કાર્ય ક્ષેત્રમાં હાલ અમલમાં ચાલું નથી તેમજ આ યોજના અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા યોજનાના નિયમનુસાર કોઈપણ બાળરોગ નિષ્ણાંત ડોક્ટરશ્રી એટલે કે, કોઈપણ પીડીયાટ્રીશ્યન ડોક્ટર સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા આ બાલસખા યોજના-3 અન્વયે કોઈ પણ જાતના કરાર કરવામાં આવેલ નથી. આમ જૂનાગઢ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પાબેન જાવિયાએ બાલસખા યોજના અન્વયે આપેલી જાહેરખબર શરતચૂકથી અપાઈ ગઈ છે તેમ લેખિતમાં જાહેર કરી સમગ્ર મામલા પર પડદો પાડવાની નાકામ કોશિશ કરી છે.
શિલ્પા જાવિયાની કચેરીમાંથી 26 જાન્યુઆરીએ જૂનાગઢમાં વર્તમાન પત્રોમાં બાલસખા યોજનાની જાહેરાત અપાઈ હતી
આરોગ્ય અધિકારીની જાણ બહાર કચેરીમાંથી વર્તમાન પત્રોમાં બાલસખા યોજનાની જાહેરાત કેમ અપાઈ શકે?
પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરી 2023ના નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરીના આરોગ્ય શિક્ષણ માટે સંબંધિત કર્મચારીશ્રી દ્વારા શરતચૂકથી બાલસખા યોજના-3ની જાહેરાત આપવામાં આવી હતી એવું જણાવી શિલ્પા જાવિયાએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે, આરોગ્ય અધિકારીની જાણ કે પરવાનગી વિના આરોગ્ય કચેરીમાં કર્મચારીઓ ડઝનેક વર્તમાન પત્રોમાં જાહેરખબર કેમ આપી શકે? હકીકતમાં શિલ્પા જાવિયા તમામ બાબતોથી માહિતગાર હતા જ પરંતુ તેમના ગેરવહીવટી છતાં થઈ જતા તેમણે સમગ્ર મામલો જ ફેરવી તોડ્યો છે.
આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાને સસ્પેન્ડ કરવા માટે પંચાયત વિભાગના સચિવ અને ડી.ડી.ઓ.માં અરજી કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
શૈક્ષણિક લાયકાત વિનાના અને શિષ્ટાચાર વિનાના જૂનાગઢ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પાબેન જાવિયાને સસ્પેન્ડ કરવા અને તેમને તેના પદ પરથી દૂર કરવા બાબત એક અરજી જૂનાગઢના જાગૃત નાગરિક વિરલ જોટવાએ પંચાયત વિભાગના સચિવ તેમજ ડી.ડી.ઓ.ને કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પાબેન જાવિયા દ્વારા એક પ્રેસનોટ માહિતી ખાતાને અપાયેલી છે જેમાં આ શિલ્પાબેન જાવિયા જણાવે છે કે, બાલસખા યોજના-3 હેઠળ જૂનાગઢ જિલ્લાના કોઈપણ બાળરોગ નિષ્ણાત ડોકટર સાથે કોઈ કરાર કરાયા નથી. જો આવા કોઈ કરાર ન થયા હોય તો શા માટે જાહેરાત આપવામાં આવેલ હતી? આ તો અમો દ્વારા એક જાગૃત નાગરિક તરીકે આ ભ્રષ્ટ, શિષ્ટાચાર વિનાના અને કૌભાંડી અધિકારી શિલ્પાબેન જાવિયાનું આ કૌભાંડ બહાર પાડવામાં આવ્યું, બાકી અનેક લોકો આ જાહેરાતથી ભરમાય અને બાલસખા યોજના માટેના લાભ મળે છે તેમ સમજી, જે તે ઉલ્લેખ કરાયેલા ગેરકાયદે હોસ્પિટલો ધરાવનાર ડો. જયચંદ્ર રતનપરા જેવા લોકો પાસે જતા અને એ ડો. જયચંદ્ર રતનપરા જેવા ડોકટર્સ આવેલા દર્દીઓને ઈમર્જન્સી બતાવી અને દાખલ કરી અને લાખો રૂપિયાના ખાડામાં ઉતારી દેતા. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શિલ્પાબેન જાવિયાની આ ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી છે, અને જ્યારે આરોગ્યને લગતી કોઈ જાહેરાત આપવામાં આવે અને તેના માટે આરોગ્ય અધિકારી આવી ગંભીર બેદરકારી રાખે તે એક ખૂબ જ ગંભીર બાબત છે. વર્ગ-2ના અધિકારી શિલ્પાબેન જાવિયાને ગેરકાયદેસર પ્રમોશન આપી અને વર્ગ-1નાની સીટ પર લાયકાત વિના અને કાયદાથી વિરૂદ્ધ આવું જવાબદારીવાળું વર્ગ-1નું પદ આપવામાં આવે ત્યારે આવું જ થાય, અને આવું તો ભવિષ્યમાં અનેક વખતે થશે તેમાં બેમત નથી. જ્યારે આ સમગ્ર જિલ્લાની પ્રજાનું આરોગ્યનો પ્રશ્ન છે, ત્યારે આવા શિલ્પાબેન જાવિયા જેવા અણઘડ અને ભ્રષ્ટાચારી- કૌભાંડી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના હાથમાં હોય તેવા સંજોગોમાં સત્વરે શિલ્પાબેન જાવિયાને તાત્કાલિક સસ્પેન્ડ કરી અને તેમના ગેરકાયદેસર પદ પરથી હટાવવા નમ્ર વિનંતી વિરલ જોટવાએ પંચાયત વિભાગના સચિવ સહિત ડી.ડી.ઓ.ને કરી છે.