74,000 ઘરોમાં સર્વેલન્સ: 243 ઘરોમાંથી 421 મચ્છરોના લારવા મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
- Advertisement -
જૂનાગઢ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ નિમંત્રણ અભિયાન અંતર્ગત તા.રર એપ્રિલથી 18મે 26 દિવસ દરમિયાન શહેરના 15 વોર્ડમાં 60 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાઇ હતી. જે અંતર્ગત 74,000 ઘરોમાં સર્વેલન્સ દરમિયાન 243 ઘરોમાંથી 421 મચ્છરો ઉત્પન્ન કરતા લારવાઓ મળી આવ્યા હતા. મનપાના ચોપડે હાલ પાંચ માસ દરમિયાન ડેન્ગ્યુનો એક પણ પોજિટીવ કેસ નોંધાયો નથી પરંતુ ચેકિંગ કામગીરી દરમિયાન ડેંન્ગ્યુને આમંત્રિત કરતા મચ્છરોના લારવાઓ મળી આવ્યા હતા. ખાડાગઢ તરીકે પ્રખ્યાત જૂનાગઢમાં ઠેર-ઠેર ખાડાઓથી શહેરીજનો ત્રસ્ત થયા છે.
ખાડામાં પાણી ભરાવાથી મચ્છરો ઉત્પન્ન થાય છે ત્યારે મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગંદા પાણી ભરેલા ખાડાઓ બુરવાને બદલે બળેલ ઓઇલનો છંટકાવ કરી મચ્છર ઉત્પતિ અટકાવવા કામગીરી કરવામાં આવી હતી. મહાપાલિકા દ્વારા ડેંગ્યુ નાબૂદી અભિયાન અંતર્ગત શહેરીજનોમાં ડેન્ગ્યુ અંગે જાગૃતિ આવે તે માટે તા.30 મે સુધી વિવિધ કાર્યક્રમો કરાશે. તેમજ ડેન્ગ્યુના તાવના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે સિવિલ હોસ્પિટલે લેબોરેટરી પરીક્ષણ કરાવવા આરોગ્ય વિભાગે જણાવ્યુ હતુ.