તમામ ઘરો, દૂકાનો, ઉદ્યોગ અને વેપારી ગૃહો પર રાષ્ટ્રધ્વજ લહેરાવાશે
સ્વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ થઈ રહ્યુ છે. આ દિશામાં ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય તરફથી ”હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી થયુ છે. ગુજરાતમાં 13મી ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના તમામ ઘરો, દૂકાનો, ઉદ્યોગ અને વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવાશે.
- Advertisement -
ઉપરોક્ત આયોજન માટે ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના ઉપસચિવ દિપક પટેલની સહીથી સોમવારે પ્રસિદ્ધ ઠરાવ મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 19 સભ્યોની સમિતિ રચાઈ છે.
નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે ઉદ્દેશ્યથી 13થી 15 ઓગસ્ટ દરમિયાન ”હર ઘર તિરંગા”ની ઉજવણી માટે આ સમિતિ તમામ કામગીરીના આયોજન, માર્ગદર્શન, દેખરેખ, તથા સમીક્ષા કરશે.
સમિતિમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, મુખ્ય સચિવ પંકજ કુમાર ઉપરાંત ત્રણ અધિક મુખ્ય સચિવ, ચાર અગ્રસચિવ અને ચાર સચિવ તેમજ એક નિયામકનો સમાવેશ થાય છે. આ સમિતિ દ્વારા આગામી સમયમાં મોટાપાયે રાષ્ટ્રધ્વજના ઉત્પાદન અને વિતરણ તેમજ તેને લહેરાવવાના આયોજન સંદર્ભે નિર્ણય થશે.