બેંકની ચૂંટણી મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ ઍકટ તેમજ બેંકના કાયદાઓ મુજબ જ થશે
ચુંટણીમાં અવરોધ ઉભો કરનારા પરિબળોને ફરીથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાકારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણી પ્રક્રિયા તા. 4-10-2024ના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરનામ મુજબ થઇ રહી છે. આ ચુંટણી કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરીટી (ન્યુ દિલ્હી) દ્વારા કરાવવામાં આવે છે અને જે અંતર્ગત કો-ઓપરેટીવ ઇલેકશન ઓથોરીટીએ રાજકોટ જીલ્લા કલેકટરશ્રીને રીર્ટનીંગ ઓફિસર તરીકે નિયુક્ત કરેલ છે. આ દરમિયાન કેટલાક શેર હોલ્ડરો પૈકી મહેન્દ્રભાઇ શેઠ, શુભમ વિબોધભાઇ દોશી, અભય ઠક્કર સહિત અન્ય ત્રણ દ્વારા આ ચુંટણી પ્રક્રિયામાં અડચણો ઉભી કરવા માટે વર્ષોથી કાયદાનુસાર થતી ચુંટણી પ્રક્રિયા સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવેલ કે સેન્ટ્રલ રજીસ્ટ્રાર દ્વારા મંજુર ડેલિગેટને બદલે હવેથી આ ચુંટણીમાં તમામ સભાસદો ભાગ લઇ મતદાન કરી શકે તેવી દાદ મંગાયેલી. જેને સામે નામદાર જસ્ટીસ અનિરૂદ્ધ માયી સાહેબે તા. 16-10-2024ના રોજ હીયરીંગ દરમિયાન અરજદારોની દલીલો સાંભળી કોઇપણ જાતનો વચગાળાના હુકમ આપ્યા સિવાય આગામી સુનાવણી માટેની તારીખ 3 ડિસેમ્બર 2024 આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં ડેલિગેટ મારફતે મતદાનની તારીખ 17-11-2024 છે. ગુજરાત હાઇકોર્ટની સીંગલ જજની બેચમાં કેસ ચાલુ હોવા છતા પણ ફરીથી નવી અપીલ, કેટલાક શેર હોલ્ડરો પૈકી મહેન્દ્રભાઇ શેઠ, શુભમ વિબોધભાઇ દોશી, અભય ઠક્કર સહિત અન્ય ત્રણ દ્વારા ગુજરાત હાઇકોર્ટના નામદાર ચીફ જસ્ટીસ મેડમ સુનિતા અગ્રવાલ અને નામદાર જસ્ટીસ શ્રી પ્રણવ ત્રિવેદીની ડબલ જજ બેંચમાં લેટર્સ પેટન્ટ અપીલ (એલપીએ) કરી હતી.
- Advertisement -
આ એલપીએમાં ચુંટણી પ્રક્રિયાનું પરિણામ ત્રણ માસ માટે અટકાવવા તેમજ સીંગલ જજની બેંચને ત્રણ માસ દરમિયાન કેસ ચલાવવા દાદ માંગેલ હતી. ગુજરાત હાઇકોર્ટના નામદાર ચીફ જસ્ટીસ મેડમ સુનિતા અગ્રવાલ અને નામદાર જસ્ટીસ શ્રી પ્રણવ ત્રિવેદીની ડબલ જજની બેંચમાં આ સુનવણી દરમિયાન કોર્ટે સમગ્ર ચુંટણી બાયલોઝ પ્રમાણે થતી હોવાથી તેમજ આ બાયલોઝ સેન્ટ્રલ રજીસ્ટ્રાર દ્વારા મંજુર કરેલ હોય, બાયલોઝની જોગવાઇથી વિપરીત કોઇપણ હુકમ ગુજરાત હાઇકોર્ટે આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને એલપીએ રદ કરી હતી. ખાસ તો, સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. મહારાષ્ટ્ર-ગુજરાત સહિત 38 શાખાઓ અને બે એક્સટેન્શન કાઉન્ટરનું નેટવર્ક ધરાવે છે. સભાસદો અને ખાતેદારોના અતૂટ વિશ્ર્વાસ થકી સાત દાયકાથી વધુની સફર સફળતાથી કરી છે. જનવિશ્ર્વાસની આરાધના કરતા-કરતા 72 મા વર્ષમાં મંગલ પ્રવેશ ર્ક્યો છે. વિશેષમાં, નાણાંકીય વર્ષ 2024-25ના અર્ધવાર્ષિક પરિણામો મુજબ બેંકનો નફો રૂા. 78 કરોડ અને બિઝનેશ રૂા. 10,311 કરોડ નોંધાયેલ છે. તેમજ સતત ચાર વર્ષથી નેટ એનપીએ ઝીરો નોંધયેલ છે. જે અવિરત પ્રગતિ દર્શાવે છે.