10 દિવસમાં પ્રશ્ર્નનો ઉકેલ નહીં આવતા આંદોલનની ચિમકી: કલેક્ટરને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના 53,000 આંગણવાડી કેન્દ્રોમાં છેલ્લા 7 મહિનાથી આંગણવાડી વર્કરોએ પોતાના નજીવા પગારમાંથી બાળકોના નાસ્તાના કરેલ ખર્ચના બીલો ચૂકવાયા નથી, ગેસના બાટલાના, મકાન ભાડાના, મંગળ દિવસની ઉજવણીના બીલો બે વર્ષતી ચૂકવાયા નથી. જ્યારે પોતાના ખાનગી મોબાઇલથી કરાતી કામગીરીના મોબાઇલ ઇન્સેન્ટીવની રકમો 1 વર્ષથી ચૂકવાઇ નથી. આંગણવાડી કેન્દ્રની રોજની જરૂરીયાતની વસ્તુઓ માટેની ફ્લેક્સી ફંડની રકમો 2 વર્ષથી ચૂકવાઇ નથી. પરિણામે આંગણવાડી બહેનોમાં ભારે રોષ ઉઠ્યો છે. રાજ્ય સરકાર સમક્ષની આ બાબતે તા. 24/4/2023, તા. 30/7/2023 અને તા. 28/9/2023ના રોજ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પરિણામ મળ્યું નથી. આ તમામ મુદ્દે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
2022ના સપ્ટેમ્બર ચૂંટણી સમયે કેબીનેટ મંત્રીઓ હર્ષભાઇ સંઘવી, જીતુભાઇ વાઘાણી, રૂષીકેશભાઇ પટેલ, અગ્રસચિવ કૈલાશ નાથનજી, સચિવ કે.કે. નિરાલાજીની હાજરીમાં સરકારી મોબાઇલ કામ કરતા ન હોઇને નવા મોબાઇલ કે મોબાઇલ કિંમત આપવા, નિવૃતિ વય મર્યાદા 60 કરવા, કાર્યકરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન આપવા તથા વય મર્યાદા દૂર કરવા અને લઘુતમ વેતન ઓછામાં ઓછુ રૂા. 478 દૈનિક આપવા, હેલ્પરોને માત્ર રૂા. 5500નું જ વેતન અપાતું હોઇને તેઓને વેતનમાં વધારો આપવા સહિતના પ્રશ્ને થયેલ સમાધાનનો અમલ કરવાની રજૂઆત પણ ધ્યાને લેવામાં ન આવતા છેવટે બંધારણીય રીતે વ્યાપક આંદોલનનો નિર્ણય કરી માંગણીઓ બાબતે દિવસ 10માં બેઠક યોજવા માંગણી કરાઇ છે. તથા તા. 4 અને 5 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી, મહિલા બાળ અને વિકાસ મંત્રી, સચિવ અને કમિશ્નરને સમગ્ર ગુજરાતમાં હજારો વર્કર-હેલ્પરો જિલ્લા તાલુકા મથકે અલ્ટીમેટમ આપશે.
આમ છતાં બેઠક યોજી પ્રશ્ન ન ઉકેલાય તો ના છૂટકે રાજ્ય કક્ષાની વિશાળ રેલી યોજી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
- Advertisement -
તેમજ કેન્દ્ર સરકારની આ યોજના હોવા છતાં 2018 પછી કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન મોંઘવારીને અનુલક્ષીને માનદ વેતનમાં કોઇ જ વધારો કર્યો ન હોવાથી ઓક્ટોબર માસમાં તમામ સાંસદ સભ્યોને પણ આવેદન પત્ર આપવામાં આવશે તેમ સંગઠનની અખબારી યાદીમાં જણાવાયું છે.