પહેલા જીવલેણ હુમલો કર્યો અને પછી પ્રસંગ ન બગાડવા ખંડણીની રકમ માગી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં જ્યારે લુખ્ખાઓ બેફામ બન્યા છે ત્યારે ખાખીએ પોતાનો રંગ બતાવ્યો છે. હાલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસે જંગલના એક શિયાળને પાંજરે પુરવો અનિવાર્ય બની ગયો છે. શહેરમાં સમીર ઉર્ફે સંજલો જાવિદ જુણેજા (મસ્તાન ગેંગનો લીડર) દ્વારા ગુનાઈત પ્રવૃત્તિનું પ્રમાણ વધતું ગયું છે ત્યારે તેને સીધો દોર કરી કાયદાનો પાઠ ભણાવવામાં ન આવ્યો તો વધુ એક લુખ્ખો મોટો ગુંડો બની જશે અને આંતક ફેલવાતો ફરશે.
થોડા દિવસો પૂર્વે મુસાભાઈ ગોગદા સમીર ઉર્ફે સંજલાના આતંકનો શિકાર બન્યા હતા આ અંગે તેમણે પોલીસ કમિશનરમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તા. 7-11-2024ના રોજ રાત્રે 10-00થી 10-30 વાગ્યાની આસપાસ જંગલેશ્ર્વર વિસ્તારના ખતરનાક ઝનુની અને ગુનેગાર વ્યક્તિ સંધી સમીર જુણેજા ઉર્ફે સંજલો અને તેના સગા ભાણેજ (1) સોહીલ, (2) સુલેમાન, (3) સમીર તથા અજાણ્યા શખ્સોએ સાહિલ અબ્દુલભાઈ ગોગદા નામના મારા સગા ભત્રીજા ઉપર તથા ઘરના બૈરાઓ ઉપર જાન લેવા હુમલો કરેલ હતો, અમારા ઘર પાસે માથાકૂટ કરેલ, ત્યાર બાદ મારામારી કરી અને હુમલો કરેલ હતો. તલવાર, ધારીયા, છરી જેવા હથિયાર ધારણ કરીને હુમલો કરેલ હોય હાલ મારો ભત્રીજો ગોકુલ હોસ્પિટલમાં દાખલ છે અને જેથી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ છે. આ ગુનેગાર વ્યક્તિ ઉપર 302, 307 તથા પ્રોહિબીશનના અનેક ગુન્હાઓ અને મારામારીના અનેક ગુન્હાઓ દાખલ થયેલ છે. રાજકોટ શહેરમાં બુટલેગર તરીકે પણ પ્રખ્યાત છે.
અરજદાર પરિવારે પોલીસ રક્ષણ સાથે લગ્ન પ્રસંગ પૂરો કર્યો હતો જેમાં ડીસીપી સજ્જનસિંહ પરમાર અને પી.આઈ. સરવૈયાએ પોલીસ પ્રોટેક્શન પૂરું પાડ્યું હતું ભક્તિનગર પોલીસ સ્ટેશનના અમુક પોલીસ કર્મચારીઓ સાથે આ ગુન્હેગાર વ્યક્તિને ખૂબ જ સારા અને મીઠા સંબંધો છે તેથી આ લોકો અહીં હજુ અમારા (ગોગદા પરિવાર) ઉપર હુમલો કરવા માટે અમોને શોધે છે, ખુલ્લેઆમ હથિયાર લઈને ફરે છે, પોલીસ ખાતાએ અત્યાર સુધી આ કોઈની ધરપકડ પણ કરેલ નથી, અમારી જાનનું જોખમ છે, અમારા ઘરે લગ્ન પ્રસંગ છે જેની કંકોત્રીની નકલ આ અરજી સાથે સામેલ છે. આ લોકો અમારો પ્રસંગ બગાડવા માટે 150 માણસોની સાથે હુમલો કરશે તેવું અમોને ધમકીઓ મોકલાવે છે અને અમને પણ દહેશત છે કે આ અમારી ઉપર જરૂર હુમલો તો કરશે જ અને અમારો લગ્ન પ્રસંગ બગાડશે. આ અમારી પાસે લગ્ન પ્રસંગ ન બગાડવો હોય તો ખંડણીની રકમ માગે છે તેથી અમોને કંકોત્રીમાં દર્શાવ્યા મુજબના સરનામે પોલીસ રક્ષણ આપવા તથા ભક્તિનગર પોલીસને તાત્કાલિક આ આરોપીઓની ધરપકડ કરવા અરજી કરવામાં આવી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આ અરજી બાદ અરજદાર પરિવારે ડરતા-ડરતા પોલીસ રક્ષણ સાથે લગ્ન પ્રસંગ પૂરો કર્યો હતો જેમાં ડીસીપી સજ્જનસિંહ પરમાર અને પી.આઈ. સરવૈયાએ પોલીસ પ્રોટેક્શન પૂરું પાડ્યું હતું અને આરોપી વિરૂદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી દેવાઈ છે. પરંતુ જંગલેશ્ર્વરનો કુખ્યાત લુખ્ખો સમીર ઉર્ફે સંજલો હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે તેને તાત્કાલિક પકડી જેલમાં નાખવો જોઈએ જેથી હજારો લોકો શાંતિથી જીવી શકે અને સમીર ઉર્ફે સંજય જેવા લુખ્ખાઓનો ભય સમાજમાંથી ઓછો થાય.
સંજલાનું સરઘસ કાઢી ગામમાં ફેરવો જેથી તેના જેવા લુખ્ખાઓનો ભય લોકોમાં ઓછો થાય
સમીર ઉર્ફે સંજલાએ બનેવી સાથેની અદાવતમાં ભાઈ-બહેન પર ધારીયા-પાઈપથી હુમલો કરેલો
હસનવાડી પીરની દરગાહ પાસે ગોકુલનગર શેરી નં.1 માં રહેતાં સાહીલ અબ્દુલભાઇ ગોગદા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સોહિલ, સુલેમાન દલ અને સમીર નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે તે મવડી પ્લોટ ખાતે આવેલ આર.કે. એમ્પાઇર બિલ્ડીંગમા ખાનગી કંપનીમા એડમીન તરીકે નોકરી કરે છે.વતેમના પરિવારમાં પિતા અબ્દુલભાઇ (ઉ.વ.70) અને માતા જીનતબેન (ઉ.વ.65) છે. ગઈકાલે રાત્રીના સમયે તેમનું બીજું મકાન અંકુર સોસાયટી શેરી નં.5 ભવાની ચોકમાં આવેલ છે ત્યાં તે હતો ત્યારે તેનો બનેવી આશીફ બેરૈયા અને સમીર ઉર્ફે સંજલા વચ્ચે કોઇ વાતને લઇને બોલાચાલી ઝઘડો થયેલ જે બાદ બન્ને જતાં રહેલ હતા. બાદમાં તે તેમની બહેન અને ભત્રીજાને બાઇકમાં બેસાડી પુનીતનગર ખાતે રહેતા કાકાના દીકરા ઉસ્માનભાઈને ત્યાં મુકવા માટે જતો હતો તે દરમ્યાન નુરાની ચોક ખાતે પહોચતા સામેથી એક બાઇકમાં સોહીલ તથા તેની પાછળ સુલેમાન દલ અને સમીર બેસેલ હતાં. જે બાઇકની સાઇડ કાપી સ્પીડમાં નીકળવા જતા સ્લીપ થઇ પડી જતા તેમની બન્ને બહેનો તથા ભત્રીજાને શરીરે નાની મોટી ઇજા થયેલ હતી. દરમ્યાન ત્રણેય શખ્સો દોડીને તેમની પાસે આવેલ અને ગાળાગાળી કરી માર મારવા લાગેલ હતાં. તેમજ સમીરે તેના હાથમાં રહેલ લોખંડના પાઇપથી તેમના બહેન પર હુમલો કરતાં માથાના ભાગે ઇજા થયેલ હતી.
સંજલા અને તેના સાગરિતો પર ગુજસીટોક દાખલ કરો: લત્તાવાસીઓ
જંગલેશ્ર્વરમાં સમીર ઉર્ફે સંજલા અને તેના સાગરિતોનો ખુબ ખૌફ છે. તેની ગેંગ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. આ ગેંગ દ્વારા દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓથી લઈ ખંડણી સુધીના કાળા કારનામા કરવામાં આવે છે ત્યારે સંજય ઉર્ફે સંજલા અને તેના સાગરિતોને ગુજસીટોકના કાયદા હેઠળ સબક શીખવવા આવે તેવી માંગ થઈ રહી છે.



