ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચરાડવા ખાતે જૂના દેવરીયા રોડ પર આવેલા મહાકાળી આશ્રમના સ્થાપક, આયુર્વેદના ગહન જ્ઞાતા અને પશુ-પક્ષી પ્રેમી પૂ. દયાનંદગીરી બાપુએ આજે વહેલી સવારે 133 વર્ષની વયે દેહત્યાગ કર્યો. ઓડીશાના મૂળ નિવાસી અને છેલ્લા ચાર દાયકાથી ચરાડવામાં નિ:સ્વાર્થ સેવાકાર્યો દ્વારા સમાજનું કલ્યાણ કરનાર પૂ. બાપુએ આયુર્વેદિક ઔષધો, આધ્યાત્મિક માર્ગદર્શન અને પશુ-પક્ષીઓની સેવા દ્વારા અનેકના જીવનમાં પરિવર્તન લાવ્યું. તેમના નિધનથી શિષ્યો, સમાજ અને આશ્રમ સાથે જોડાયેલા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
- Advertisement -
જીવન અને સેવા: પૂ. દયાનંદગીરી બાપુનો જન્મ 1892માં ઓડીશામાં કારતક સુદ પૂનમના રોજ થયો હતો. બાળપણથી જ આધ્યાત્મિકતા અને આયુર્વેદ પ્રત્યેની રુચિ તેમને ચરાડવા ખાતે લઈ આવી, જ્યાં તેમણે મહાકાળી આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમ માત્ર આધ્યાત્મિક કેન્દ્ર જ નહીં, પરંતુ ગાયો, પંચકલ્યાણી ઘોડાઓ અને વિવિધ પક્ષીઓની સેવા માટેનું એક અનુકરણીય કેન્દ્ર બન્યું. આશ્રમમાં ગીર ગાયોની સંભાળ ઉપરાંત, આયુર્વેદિક જડીબુટ્ટીઓના બગીચાની રચના કરવામાં આવી, જેના દ્વારા બાપુએ અનેક રોગોનો ઉપચાર કર્યો.
પૂ. બાપુ આયુર્વેદના નિષ્ણાત હતા અને તેમની પાસે હજારો ઔષધોનું જ્ઞાન હતું. તેમણે કેન્સર જેવા ગંભીર રોગોના દર્દીઓની સારવાર કરી અને નિ:સંતાન દંપતીઓને આયુર્વેદિક ઉપચારો દ્વારા સંતાનપ્રાપ્તિનું સૌભાગ્ય અપાવ્યું. ગરીબ હોય કે અમીર, બધાને તેમણે નિ:શુલ્ક સેવાઓ આપી, જેના કારણે તેમની ખ્યાતિ ભારતભરમાં અને વિદેશમાં પણ ફેલાઈ. આશ્રમમાં નિયમિત હોમ-હવન, પૂજા-પાઠ અને આધ્યાત્મિક સત્સંગનું આયોજન થતું, જેમાં તેમના પટ્ટશિષ્ય પૂ. અમરગીરી બાપુએ વર્ષોથી સાથ આપ્યો.
પૂ. દયાનંદગીરી બાપુ જગદમ્બાના ઉપાસક હતા અને વેદ, ઉપનિષદો તેમજ રામાયણનું ગહન જ્ઞાન ધરાવતા હતા. તેમના સત્સંગમાં ઓડીશાની રામાયણ પરની તેમની વિશેષ પકડ લોકોને આકર્ષતી. છેલ્લા પાંચ વર્ષમાં આશ્રમમાં દેવી ભાગવત અને ભાગવત સપ્તાહનું આયોજન થયું, જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો. આ પ્રસંગે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ હાજરી આપી હતી, જે આશ્રમની પ્રતિષ્ઠાને દર્શાવે છે.
પૂ. દયાનંદગીરી બાપુનો વારસો તેમના આયુર્વેદિક જ્ઞાન, પશુ-પક્ષી પ્રેમ અને આધ્યાત્મિક નિષ્ઠામાં રહેલો છે. આશ્રમમાં ઉગાડવામાં આવેલી જડીબુટ્ટીઓ અને તેમની નિ:સ્વાર્થ સેવાની પરંપરા આગળ વધારવાની જવાબદારી હવે પૂ. અમરગીરી બાપુ સંભાળશે. તેમના નિધનથી એક યુગનો અંત થયો હોવાની લાગણી સમાજમાં વ્યાપી છે, પરંતુ તેમના કાર્યો અને શીખ આગામી પેઢીઓને માર્ગદર્શન આપતા રહેશે. પૂ. બાપુની સમાધિના કાર્યક્રમમાં હજારો ભક્તો અને શિષ્યો હાજર રહેવા આવી રહ્યા છે. તેમની આધ્યાત્મિક અને સેવાકીય યાત્રા ચીર કાળ સુધી દેશ-વિદેશમાં યાદ રહેશે.
- Advertisement -
વડાપ્રધાન મોદી ઉપર બાપુના આશીર્વાદ હતા
ગુજરાત સહિત દેશભરના દિગ્ગજો, નેતાઓ, ભક્તો સહિતનાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી
સૌરાષ્ટ્રની ભૂમિને ધર્મભૂમિ બનાવી સેંકડો લોકોના દુ:ખ દર્દ દૂર કરનાર ચરાડવા મહાકાળી આશ્રમના મહાન સંત પૂ. દયાનંદગીરીબાપુ ગુરૂ બ્રહ્માનંદગીરી બાપુનો પ્રથમથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપર અગાધ પ્રેમ રહ્યો છે. બાપુ હમેશ કહેતા કે દેશની સેવા માટે મહામાનવનો અવતાર થયો છે. તેમને ઉની આંચ પણ નહિ આવે. બાપુએ દસ મહા વિદ્યા-કથા-યજ્ઞ કરેલો ત્યારે નરેન્દ્રભાઇએ હૃદયની શુભેચ્છા પાઠવતો અને બાપુને વંદના કરતો પત્ર લખ્યો હતો જે પૂ. બાપૂએ મંદિરમાં મઢાવીને રાખ્યો હતો.
યોગ ગુરૂ રામદેવજી બાબા પૂ. દયાનંદગીરી બાપુના જીવંત સંપર્કમાં રહયા હતા. વિડીયો કોલથી બાપુ સાથે સતત સંપર્કમાં રહેતા હતા અને બાપુ પાસેથી યજ્ઞો અને મંત્રો વિશે અનેકવિધ વિગતો, માર્ગદર્શન મેળવતા રહેલ તથા આધ્યાત્મીક બાબતોની ઉચ્ચ કોટીની ચર્ચા કરતા રહેલ. બાપુની પૃચ્છા કરવા માટે પતંજલી યોગ પીઠના સર્વોચ્ચ યજ્ઞાચાર્યને ખાસ રાજકોટ મોકલ્યા હતા.
પૂ. દયાનંદગીરી બાપુનું મહાપ્રયાણ થતાં ગુજરાત સહિત દેશભરના રાજકિય નેતાઓ, દિગ્ગજો અને ભક્તો સહિતનાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
નાનાબાપુ પૂ. અમરગીરી મહારાજની અનન્ય સેવા
પૂ. દયાનંદગીરી બાપુના ઉત્તરાધીકારી અને તેમના એકમાત્ર શિષ્ય પૂજય અમરગીરી બાપુ ગુરૂ દયાનંદગીરી બાપુએ આજીવન પુત્રભાવે પૂ. બાપુની સેવા ચાકરી કરી તેમની પાસેથી આધ્યાત્મિક જ્ઞાન-ઉપલબ્ધી મેળવી હતી. નાના બાપુ પડછાયાની જેમ ચોવીસે કલાક મોટા બાપુની સેવામાં લાગ્યા રહેતા હતાં.