ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઈ માટે નાણાં સહાયની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર મોરબી સહીત રાજ્યની 156 નગરપાલિકાઓને કુલ રૂ.17.10 કરોડની સહાય આપશે. રાજ્યના નગરોમાં થયેલી અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સઘન સફાઈ ઝુંબેશ સહિતના સ્વચ્છતાના કામો માટે આ સહાય અપાશે. નગરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઈ છે તે માટે મુખ્યમંત્રીએ આ રૂ.17.10 કરોડ રૂપિયા ફાળવવાની સૈધ્ધાંતિક અનુમતિ આપી છે. આ હેતુસર રાજ્યની તમામ 156 નગરપાલિકાઓને પ્રાથમિક તબક્કે તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂરી પાડવા આ ગ્રાંટ ઉપયોગમાં લેવાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાંકીય સહાયના ધોરણો પણ નિર્ધારિત કર્યા છે. ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ.20 લાખ પ્રમાણે કુલ રૂ. 4.40 કરોડની રકમ અપાશે જે મુજબ મોરબી નગરપાલિકાને પણ રૂ. 20 લાખની સહાય મળશે. ‘બ’ વર્ગની 30 નગરપાલિકાઓમાં પ્રત્યેકને રૂ. 15 લાખ પ્રમાણે કુલ રૂ. 4.50 કરોડ ફાળવવામાં આવશે. ‘ક’ વર્ગની 60 નગરપાલિકાઓમાં નગરપાલિકાદીઠ રૂ. 10 લાખ પ્રમાણે કુલ રૂ. 6 કરોડ આપવામાં આવશે. ‘ડ’ વર્ગની 44 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 5 લાખ પ્રમાણે કુલ રૂ. 2.20 કરોડની રકમ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 17.10 કરોડ રૂપિયાની ફાળવણી કરતા હવે રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં વરસાદી સ્થિતિ પછીની સાફ સફાઈ અને ભરાયેલા વરસાદી પાણીના નિકાલ સહિતની નગર સુખાકારી કામગીરીમાં વધુ ગતિ આવશે.